જામનગરના ઊંડ ડેમમાં ટેન્ડર અધ્ધરતાલ હોવાનો લાભ લઈ કેટલાક અસામાજિક તત્ત્વો માછલીચોરી કરવા માટે પડ્યા હતા. સ્થળ પર 12થી વધુ બોટ અને 50થી વધુ પરપ્રાંતીય શખ્સ ધસી આવ્યા હતા અને માછીમારી શરૂ કરી હતી. જોકે દિવ્ય ભાસ્કરે આ મામલાનો પર્દાફાશ કરતા ફિશરીઝ વિભાગ સક્રિય થયું હતું અને તુરંત પોલીસ બંદોબસ્ત માગ્યો હતો જેથી ડરીને માછલીચોરો ભાગી છૂટ્યા છે. ફિશરીઝ વિભાગના અધિકારી જયેશ તોરણિયાના જણાવ્યા અનુસાર ગેરકાયદે માછીમારીની ફરિયાદ મળતા તેમણે સૌ પ્રથમ સિંચાઈ વિભાગને જાણ કરી હતી કારણ કે, ડેમની સુરક્ષાની પહેલી જવાબદારી તેમની હોય છે ત્યારબાદ પોલીસને પણ પત્ર લખ્યો હતો.
રવિવારે કચેરી ખુલ્લી રાખીને તમામ કાગળ લખ્યા હતા અને બાદમાં સાંજે જ્યારે સ્થળ તપાસ કરવામાં આવી તો જે સ્થળે બોટ અને માછલી પકડવાની જાળ સહિતનો સામાન પડ્યો હતો તે મળ્યો ન હતો અને કોઇ સ્થળ પર હાજર ન હતું. જે સાબિત કરે છે કે, માછલીચોરો સુધી એ પણ ગંધ આવી ગઈ હતી કે ગમે તે સમયે કાર્યવાહી થઈ શકે છે તેથી હવે ત્યાં લુખ્ખાગીરી કરવી ભારે પડી શકે તેમ છે અને ભીંસ પડતા પોબારા ભણી ગયા હતા. જોકે આ સમગ્ર મામલે ફરિયાદ કરનાર દીપક બાબરિયાને યુવરાજ નામના શખ્સે ધમકી આપી હતી તેની પણ તપાસ રાજકોટ પોલીસ કરી રહી છે.