ઉપલેટા શહેરમાં આવેલા વિવિધ વોંકળાની સાફ-સફાઈ માટે સરકાર દ્વારા ઉપલેટા નગરપાલિકાને રૂપિયા 20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાં આ ગ્રાન્ટ માંથી ઉપલેટા નગરપાલિકાએ 17 લાખ ઉપરાંતની રકમની ચુકવણી કરી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાને ફાળવવામાં આવેલી ગ્રાન્ટના કામમાં ભરપૂર ભ્રષ્ટાચાર, ગોલમાલ કરાઈ હોવાની માહિતીઓ સામે આવી છે અને યોગ્ય સાફ સફાઈ ન થઈ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. શહેરના અનેક વોંકળા ગંદકીથી ખદબદી રહ્યા છે. આથી આવનારા દિવસોમાં આ બાબતે ન્યાયી તપાસ હાથ ધરાય તો અનેકોના તપેલા ચડી જવાની શક્યતા નકારી શકાતી નથી.
આ અંગે એક અરજદાર દ્વારા આ અંગેની કરવામાં આવેલી આર.ટી.આઈ માં ઉપલેટા પાલિકા દ્વારા વોંકળાની સફાઈના કામ માટે 17 લાખ ઉપરાંતની રકમના બીલો ચૂકવ્યા છે ત્યારે આ સાફ-સફાઈ તિજોરીની જ થઇ હોય તેવું જણાઇ રહ્યું છે.અને પાલિકાની કામગીરી જ શંકાના દાયરામાં આવી રહી છે. વોંકળાની ચાલી રહેલી સાફ-સફાઈની કામગીરી દરમિયાન અરજદારે જે તે વખતે મુખ્ય અધિકારીને આ અંગે મૌખિક ફરિયાદ અને રજૂઆત કરી સફાઈ યોગ્ય ન થતી હોય તેમજ યોગ્ય રીતે કામ ન થતું હોય તે અંગે રજૂઆત કરી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામ ન કરેલું હોવા છતાં ઉપલેટા પાલિકાએ લાખો રૂપિયાના બિલ ચૂકવી દીધા છે જેથી હવે કયા આધાર ઉપર આ બિલ ચૂકવ્યું તેમાં પણ ઉપલેટા પાલિકાની શંકાસ્પદ ભૂમિકાઓ અને કંઈક રંધાઈ ચૂક્યું હોય તેવી ગંધ સામે આવી છે. આથી આ બાબતે ન્યાયી તપાસ થાય તે જરૂરી છે