ઉપલેટા પંથક પર સતત ત્રીજા દિવસે વિશેષ મેઘમહેર રહી છે અને સતત 48 કલાકથી ગાજવીજ સાથે ક્યારેક ઝાપટાં અને ક્યારેક મુશળધાર વરસાદના પગલે હવે તારાજી અને ખાનાખરાબી વધી છે. ઉપલેટા શહેર અને પંથકમાં વધુ આઠ ઇંચ, મોટી પાનેલમાં બે કલાકમાં 6 ઇંચ અને ઢાંકમાં વધુ પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ધોરાજી તાલુકાનાં હડમતિયા, ચીચોડ, પાટણવાવ, મોટીમારડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાકમાં 10 થી 14 ઇંચ વરસાદ ખાબકતાં ખેતરોનું ધોવાણ થયું છે.
ઉપલેટામાં 24 કલાકમાં વધુ આઠ ઇંચ વરસાદ પડ્યો હતો જેમાં ગ્રામ્ય વિસ્તારના તણસવા, ગણોદ સમઢીયાળામાં અંદાજે 9 થી 10 ઇંચ વરસાદ પડ્યો હતો. મેરવદર, હડમતીયા, નાગલખાડા, નાગવદર, ખાખી જાડિયા,વાડલા, ઈસરા, કોલકી, ખારચીયામાં પણ પાંચથી સાત ઇંચ વરસાદ પડ્યાના અહેવાલ છે. મોરબી જિલ્લામાં પોણો ઇંચ વરસાદ મોરબીમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સમયે ફરી મેઘસવારી આવી હતી. જો કે શનાળા રોડ વિસ્તારમાં રોડ પર પાણી ફરી વળ્યા તેટલો વરસાદ ખાબક્યો તો સામાકાંઠા વિસ્તારમાં માત્ર હળવા ઝાપટાં પડ્યાં હતાં. મોરબીમાં માત્ર 1 મીમી વરસાદ જ નોંધાયો હતો. જિલ્લામાં માળિયા મિયાણા તાલુકામાં સૌથી વધુ 19 મીમી વરસાદ પડ્યો હતો. ટંકારામાં 13 મિમી વરસાદ પડ્યો હતો.