સૌરાષ્ટ્રમાં અવિરતપણે વરસી રહેલા વરસાદને કારણે એસ.ટી.ની બસ પ્રભાવિત થઇ રહી છે. છેલ્લા ચાર દિવસથી મેઘરાજા ઉપલેટા પંથકમાં મનમૂકીને વરસી રહ્યાં છે. રવિવારે ઉપલેટાના લાઠ અને ભાદર આસપાસના વિસ્તારોમાં માત્ર ત્રણ જ કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડતું હતું. જેને કારણે જનજીવન તેમજ પરિવહન ખૂબ જ પ્રભાવિત થયું છે. ત્યારે ભાદર વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઉપલેટા એસ.ટી. ડેપો દ્વારા ભીમોરા, મેરવદર, વંથલી સહિતના હાઇવે પર તેમજ પાટણવાવ પાસેના ડાવર્ઝન પર પાણી ફરી વળ્યાં હોય ચારથી વધુ એસ.ટી.ની બસને રદ કરી હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું છે. જો ભારે વરસાદ હશે તો તે બસના રૂટને ટૂંકાવી દેવાની પણ બસચાલકોને સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે રાજકોટથી ઉપલેટા તરફ જતી તમામ રૂટની બસ રાબેતા મુજબ દોડી રહી હોવાનું રાજકોટ ડેપો મેનેજરે જણાવ્યું છે.