રાજકોટ જિલ્લાના ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા ઉપલેટા શહેરમાં આવેલ સતી માતાના મંદિર પાસે વર્ષ 2022માં થયેલ પતિ-પત્નીની હત્યાના બનાવમાં આરોપી સુનિલ ઉર્ફે કરણ સોમજી સિંગરખિયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.
તારીખ 19.04.2022ના રોજ મૃતક રીના તથા અનિલ મનસુખભાઈ મહીડા દાંતની સારવાર કરાવવા માટે ઉપલેટા આવ્યા હતા ત્યારે આ અંગેની માહિતી મળતા આરોપી કરણ ઉર્ફે સુનિલ સોમજી તેમના પિતા સોમજીભાઈ જેઠાભાઈ સિંગરખીયા અને આરોપી કરણના પત્ની હર્ષા ઉર્ફે કીર્તિ કરણભાઈએ ગુન્હાહિત કાવતરૂ રચી અને ઉપલેટા સતી માતાના મંદિર પાસે જીકરીયા મસ્જિદ વાળી ગલીમાં આરોપી કરણ ઉર્ફે સુનિલ છરી લઇ આડેધડ ઘા મારી અનિલ તથા તેના પત્ની રીનાની હત્યા નિપજાવી હતી. અનિલના પિતા મનસુખભાઈ ગોવિંદભાઈ મહીડાએ તત્કાલીન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ ઝાલા સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવેલ અને આ ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી.
તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હેમેન્દ્ર માણસુરભાઈ ધાંધલ દ્વારા કરી અને આરોપીઓ વિરૂધ્ધ પ્રથમ દર્શનીય કેસ જણાતા હત્યા કરવાનું અને કાવતરું રચવાનું ચાર્જશીટ કરેલું હતું. જે બાદ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ જ્યારે પુરાવો નોંધાવવાનો શરૂ થયો ત્યારે તમામ વિટનેસ ફરી ગયા અને નજરે જોનાર દ્વારા સરકાર પક્ષના કેસને સમર્થન આપેલ નહીં અને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવ્યા હતા બાદમાં ફરિયાદી પણ ફરી ગયા અને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવ્યા હતા.