ઉપલેટા પોલીસે જાહેર માર્ગો પર જોખમી રીતે વાહન ચલાવતા સગીરો સામે કડક કાર્યવાહી કરી છે. ૨૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ પેટ્રોલિંગ દરમિયાન ત્રણ સગીર બાઈક ચલાવતા મળી આવતા, પોલીસે તેમના વાલીઓ અને વાહન માલિકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ઉપલેટા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ ભિખુભાઈ રાખસીયા અને તેમની ટીમ બપોરે પેટ્રોલિંગ કરી રહી હતી. બપોરે લગભગ ૧૨:૫૦ કલાકે, ઉપલેટા બસ સ્ટેન્ડ સામેની ગલીમાં ત્રણ બાઈક સવારો પૂરઝડપે અને બેફિકરાઈથી વાહન ચલાવતા જોવા મળ્યા હતા. પોલીસે તેમને અટકાવી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ સગીર વયના હતા અને તેમની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ કે વાહનના કાગળો નહોતા.
પોલીસે બાઈક નંબર GJ-03-FR-2927 ચલાવનાર સગીરના પિતા અને વાહન માલિક હબીબ મહમદહુશૈન સંધવાણી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેવી જ રીતે, બાઈક નંબર GJ-03-MJ-6368 ચલાવનાર સગીરના પિતા સબીર મુસા જેડા અને વાહન માલિક જીગ્નેશભાઈ પ્રવીણભાઈ મોરવાડીયા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ત્રીજા કિસ્સામાં, બાઈક નંબર GJ-01-SJ-3075 ચલાવનાર સગીરના પિતા ભૂપેન્દ્રભાઈ ભલાભાઈ સોલંકી અને વાહન માલિક કરશનભાઈ વીરાભાઈ વિંજુડા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.