રાજકોટ જિલ્લા પંચાયતમાં સ્વભંડોળના નાણાં ખૂટી પડ્યાની વિગતો પ્રકાશમાં આવી છે. ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે થયેલી તારાજીમાં 352 મકાનને નુકસાન થતા તેની નુકસાનીના રૂ.24 લાખ ચૂકવવા નાણાં ન હોવાની વિગતો બહાર આવી છે અને તેના માટે જિલ્લા કલેક્ટર પાસે સહાયની માગણી કરવામાં આવી છે. ઉપલેટા પંથકમાં અતિવૃષ્ટિને કારણે ભારે તારાજી સર્જાઇ હતી અને 27 જેટલા ગામ બેટમાં ફેરવાતા અનેક મકાનોની દીવાલો પડી ગઇ હતી અને ઘરવખરી પાણીમાં તણાઇ ગઇ હતી.
સામાન્ય રીતે કુદરતી હોનારતમાં થયેલા નુકસાનની રકમ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ચૂકવવાની હોય છે, પરંતુ જિલ્લા પંચાયતના સ્વભંડોળની રકમ તળિયાઝાટક થઇ જતા 352 પરિવાર છેલ્લા એક સપ્તાહથી સહાયની રાહમાં છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ધોરાજી પ્રાંત અધિકારી પાસે વિગતો મગાવી હતી અને વહેલામાં વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ લાવવાની દિશામાં પગલાં લીધા હતા.