ઉપલેટા શહેરમાં વીજળી રોડ પર તાજેતરમાં નાખવામાં આવેલા ગટરના લોખંડના ઢાંકણા અને જાળીઓ રાતોરાત ગાયબ થઈ જતાં ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે ચોરોએ માત્ર એવી જ જગ્યાઓને નિશાન બનાવી છે જ્યાં આસપાસ કોઈ CCTV કેમેરા નથી. આ ઉઠાંતરીને કારણે ખુલ્લી થયેલી ગટરો રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ બની છે; બે દિવસ પૂર્વે જ એક મહિલા આ ખુલ્લી કુંડીમાં ખાબકતા ઈજાગ્રસ્ત થઈ હતી.
આ ગંભીર બેદરકારી અંગે વોર્ડ નં. ૩ ના અપક્ષ સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજાએ સ્થાનિક વેપારીઓની ફરિયાદ બાદ સ્થળ મુલાકાત લીધી હતી. વેપારીઓ અને નગરજનોમાં એવી શંકા પ્રબળ બની છે કે આ કૃત્ય કોઈ જાણભેદુનું હોઈ શકે છે, જે કેમેરાના બ્લાઈન્ડ સ્પોટથી વાકેફ હોય. ચંદ્રપાલસિંહે જણાવ્યું હતું કે, નગરપાલિકાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ જેથી સત્ય બહાર આવે.