ઉપલેટાના ડુમિયાણી ટોલબૂથ પર કોન્ટ્રાકટર અને મેનેજર પોતાની મનમાની ચલાવતા હોવાનો અને ભારે વાહનો માટે મન્થલી પાસ ધારકોને 50 ટ્રીપ જ આપવામાં અાવતી હોવાનો અને વધારાની ટ્રીપ દીઠ ઉઘરાણા કરાતા હોવાનો આક્ષેપ કરી આ બાબતે ન્યાયી તપાસ કરવા ખાનગી ટ્રાવેલ્સના પ્રફૂલ્લભાઇ ચંદ્રવાડિયાએ સાંસદ, સીએમને રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે અનેક ભારે વાહનોના ચાલકોને 0 લેનમાંથી પસાર કરાવી દેવામાં આવે છે અને બાદમાં તેમની પાસેથી સ્થાનિક કોન્ટ્રાક્ટર ઉઘરાણા કરી લેતા હોય છે જે અન્યાયી હોવાથી બંધ થવું જોઇએ. ઉપલેટાથી અંદાજે ત્રણ કિ.મી દૂર ડુમિયાણી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે આ ટોલ પ્લાઝા જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી કોઈની કોઈ રીતે મારામારી તેમજ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યું છે.
પ્રફુલ ચંદ્રવાડીયાએ વધુમાં જણાવ્યું છે કે ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને આ પંથકના 300 થી 400 ટ્રક અને ભારે વાહનો કે જે પોરબંદર, રાણાવાવ કે કુતિયાણા તેમજ ઉપલેટાના હોય તેમને 0 ટોલમાંથી પસાર કરીને પાછળથી ભ્રષ્ટાચાર કરી આવા વાહનના માલિકો પાસેથી નાણાં ખંખેરવામાં આવે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટોલબૂથ નજીકના 20 કિમી એરિયામાં રહેતાં લોકો પાસેથી પણ લોકલ ચાર્જ લેવાને બદલે 10 ગણો વધુ ચાર્જ વસુલાય છે. આ અંગે તેમણે અગાઉ પણ રજૂઆતો કરી જ છે અને હવે સાંસદ, મંત્રીઓને રજૂઆત કરશે.