ધોરાજી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ચાર નિષ્ણાત તબીબોની નિમણૂક કરાઈ છે. લોકોને વિવિધ આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ખાલી જગ્યાઓ ભરવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા અવારનવાર અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. માનવ સેવા મંડળ સહિત ની સંસ્થાઓ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે એમડી સહિતના નિષ્ણાત તબીબો ની નિમણૂક કરવા રજૂઆતનાં પગલે રાજ્ય સરકાર દ્વારા ચાર નિષ્ણાત તબીબની નિમણૂક કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ડો. જેનીષ કથીરીયા જે ડાયાબીટીસ, બી. પી., કમળો, હૃદયને લગતી બીમારીઓ તેમજ જુદા જુદા પ્રકારના તાવ પેરાલિસિસ, ન્યૂમોનિયા, ટીબી સહિતના દર્દીઓને સારવાર આપશે. ઉપરાંત ડો. ભૂમિકા વોરા, ડો. હેમજીત શાહ અને ડો. અર્મીતાબેન મીસ્ત્રીની નિમણુંક થતા દર્દીઓને સેવાનો લાભ મળનાર છે.
નોંધનીય છે કે ધોરાજી આસપાસના ગામડાંના દર્દીઓ માટે સિવિલ મહત્વનો સ્ત્રોત છે ત્યારે નિષ્ણાંત તબીબોના અભાવે ઇમરજન્સીમાં દર્દીઓને રાજકોટ કે જૂનાગઢ જવું પડી રહ્યું હતું અને ક્યારેક તો જીવ પણ જોખમમાં મુકાઇ જતો હતો, એ સ્થિતિ હવે નહીં રહે. ધોરાજી સરકારી હોસ્પિટલનાં અધિક્ષક ડો જયેશ વસેટીયનએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એમડી ફિઝિશિયન, એમડી પેથોલોજી, રેડિયોલોજી, આંખોના નિષ્ણાત તબીબોની નિમણૂક કરાતાં સરકારી હોસ્પિટલ ખાતે સ્થાનિક લોકોને વધુ આરોગ્ય સેવાઓનો લાભ મળનાર છે.ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દાતાઓ દ્વારા અપાયેલા લાખો રૂપિયાનાં સાધનો નિષ્ણાત તબીબો ન હોવાથી અન્ય સરકારી હોસ્પિટલ ખાતે વાપરવા અપાયાં હતાં જે સાધનો ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે નિષ્ણાત તબીબોની નિમણૂક કરાતાં સાધનો પરત મંગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છેે જે સુવિધાઓનો લાભ લોકોને મળનાર છે.