ગોંડલ હાઇવે પર રાજકોટ નજીક આવેલ લોધિકા તાલુકાના પારડી ગામમાં 20થી 25 હજારથી વધુની વસતી ઉનાળાના પ્રારંભમાં જ પાણીની હાડમારી ભોગવી રહી છે, ગ્રામપંચાયત દ્વારા ગામની આજુબાજુમાં આવેલી સોસાયટીઓને નળજોડાણ તો આપી રહી છે, પરંતુ સરકારના ધારાધોરણોને નેવે મૂકી અહીં નિયમિત પાણી વિતરણ કરવાને બદલે અઠવાડિયામાં એક જ વખત પાણી આપવામાં આવતા ગ્રામજનો હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે.
નલ સે જલની વાતો વચ્ચે રાજકોટની ભાગોળે રૂડા વિસ્તારમાં આવતા પારડી ગામની પાણીની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એરિયાના કારણે અહીં દિવસે દિવસે વસ્તી વધી રહી છે. હાલમાં 20થી 25 હજાર જેટલી વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવામાં પંચાયત થાકી જાય છે. નર્મદા યોજના હેઠળ અહીં પાણી આપવામાં આવે છે, પરંતુ નિયમિત પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાથી ગ્રામજનોને પાંચ દિવસથી લઈ આઠ દિવસે એક વખત પાણી મળે છે. પારડી ગામની આજુબાજુમાં વૃંદાવન પાર્ક સહિતની 13 જેટલી સોસાયટીમાં પણ પંચાયતે રૂ.2700 ચાર્જ વસૂલી નળજોડાણ આપ્યા છે, પરંતુ નિયમિત પાણી આપવામાં ન આવતા ઉનાળાના પ્રારંભે જ લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.
પાણી વિતરણ માટે ઘરદીઠ મહિને રૂ.100ની વસૂલાત પારડી ગામની સોસાયટીના રહેવાસીઓ જણાવે છે કે, રૂ.2700 ચૂકવી નળજોડાણ લીધા બાદ પાણી વિતરણની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા દર મહિને ઘરદીઠ રૂપિયા 100 ઉઘરાવવામાં આવે છે જેની કોઈ પહોંચ પણ આપવામાં આવતી નથી. પાણી વિતરણના પૈસા અંગે પારડી ગામના સરપંચ મહેશભાઈ માટિયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, છેલ્લા 15-20 વર્ષથી ગ્રામપંચાયતે પાણી વિતરણ માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા દર મહિને 100 રૂપિયા લેવામાં આવે છે. જોકે તેમને પણ સ્વીકાર્યું હતું કે, લોકોને પહોંચ આપવામાં આવતી નથી.