ઉત્તરીય પવનોને કારણે આજથી તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે, મિશ્ર ઋતુ અનુભવાશે

રાજકોટ સહિત રાજ્યમાં હાલ અજીબોગરીબ હવામાનનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ શિયાળાની વિદાયના અણસાર છે, તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 ફેબ્રુઆરીથી વાતાવરણમાં ફરી મોટો પલટો આવવાની શક્યતા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના સૂકા પવનો ફૂંકાશે, જેને કારણે ભેજનું પ્રમાણ ઘટશે અને લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુતમ તાપમાન 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે. જોકે ઉત્તરીય પવનોની અસરને કારણે લઘુતમ તાપમાનમાં હજુ 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી રાત્રિના સમયે ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે. ખાસ કરીને રાજકોટમાં સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રમાં ગરમીએ અત્યારથી જ પરચો બતાવવાનું શરૂ કર્યું છે. રાજકોટમાં સોમવારે લઘુતમ તાપમાન 19.2 ડિગ્રી રહ્યું હતું, પરંતુ મહત્તમ પારો 36.3 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. અમરેલીમાં પણ મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી નોંધાયું હતું. હવામાનના આ ઉતાર-ચઢાવને કારણે આરોગ્ય પર પણ વિપરીત અસર પડવાની ભીતિ છે. બપોરે ઉનાળા જેવો અહેસાસ અને રાત્રે ફરી શિયાળાની પકડને કારણે વાઇરલ ઇન્ફેક્શનના કિસ્સાઓ વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *