ઉત્તરાયણ પહેલા માવઠાની આગાહી

ગુજરાતીઓ માટે ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાની સાથે મોજ-મસ્તી અને જલસાનો તહેવાર. રાજ્યભરમાં 14 અને 15 જાન્યુઆરી એમ બે દિવસ લોકો ધાબા પર ચઢીને ઉત્તરાયણની ઉજવણી કરે છે. ફક્ત ગુજરાતીઓ જ નહીં, પરંતુ દેશનાં અન્ય રાજ્યમાંથી અને વિદેશથી પણ લોકો ઉત્તરાયણ કરવા ગુજરાત અને એમાં પણ ખાસ અમદાવાદ આવે છે, ત્યારે આ વર્ષે ઉત્તરાયણના બે દિવસ પવનની દિશા અને ગતિ કેવી રહેશે એના વિશે અંબાલાલ પટેલે કેટલીક આગાહી કરી છે. આજે (11 જાન્યુઆરી) અમદાવાદ હવામાન વિભાગ દ્વારા 24 કલાક ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.

10 જાન્યુઆરીના રોજ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણ કરતાં વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાથી પતંગરસિકોને જલસો પડી જવાનો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તરાયણના બે દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સાથે પવનની ગતિ 10થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગુજરાતમાં ફરી એક વખત પવનની દિશા ફંટાઈ છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોને બદલે હવે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. બીજી તરફ પશ્ચિમ અને રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત એક ટ્રફ પણ રાજસ્થાનથી લઈને અરબ સાગર સુધી લંબાયો છે, જેને કારણે આગામી 24 કલાક ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગુજરાતની ઉપરના ભાગેથી પસાર થયું છે, જેથી તાપમાનમાં પણ મોટા ફેરફારની શક્યતાઓ નહિવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *