ઉત્તરાયણમાં પક્ષીઓની જીવાદોરી બચાવતું કરૂણ અભિયાન

ગુજરાત રાજ્યમાં 10થી 20 જાન્યુઆરી પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન કાર્યરત છે, ત્યારે રાજકોટના 16 સ્થળો પર અબોલ જીવોની સારવાર માટેના મેડિકલ કેમ્પનો આજથી પ્રારંભ થયો છે. જેમાં કબૂતર, હોલા, ઘુવડ, સમડી સહિતના પક્ષીઓ ઘાયલ થઈને આવે છે. જેમાં 30 વેટરનિટી તબીબો તેમની ખડેપગે સારવાર કરી રહ્યા છે. ભાસ્કરની ટીમ જ્યારે આ કેમ્પ સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં પેલિકન અને કબૂતર પતંગની દોરીથી કપાયેલી હાલતમાં લાવવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટર દ્વારા તેમની ટાંકા અને ડ્રેસિંગ લઈ સારવાર કરવામાં આવી હતી.

તબીબોની એક જ અપીલ છે કે, પતંગ રસિયાઓ વહેલી સવારે અને સાંજે પતંગ ન ઉડાવે તેમજ ચાઇનિઝ કે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરી અબોલ જીવોની જીવાદોરી બચાવે. ગત વર્ષે 2000 પક્ષીઓ ધારદાર દોરીના લીધે ઘવાયા હતા. જ્યારે 400 પક્ષીઓના મૃત્યુ થયા હતા.

રાજકોટના ત્રિકોણ બાગ ખાતે આજથી શરૂ થયેલા કરુણા અભિયાનના મેડિકલ કેમ્પનો રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ તકે ડૉ. નિકુંજ પીપળીયાએ જણાવ્યું હતું કે, 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત અહીં સવારે 7થી સાંજે 6 વાગ્યા દરમિયાન પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. 12 થી 15 જાન્યુઆરી સુધી મેડિકલ કેમ્પ કાર્યરત છે. આ સિવાય ત્રણ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ 24 કલાક પક્ષીઓની સારવાર માટે રહે છે. આ સિવાય 10 થી વધુ જગ્યાએ આ કેમ્પ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *