રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ વખત કોલેજોના મોનિટરિંગ માટે 10 જિલ્લામાં નવી નોડલ કચેરી શરૂ કરવાની જાહેરાત કરી છે અને તેમાં 10 શિક્ષણ નિરીક્ષકને ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક તરીકેનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે ત્યારે ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકો કરતાં વધુ પગાર મેળવતા પ્રાધ્યાપકો અને આચાર્યોમાં શિક્ષણ વિભાગના આ નિર્ણયથી નારાજગી પ્રસરી ગઇ છે અને રૂ.5600નો ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓ કેવી રીતે રૂ.6થી 9 હજારનો ગ્રેડ પે મેળવતા પ્રાધ્યાપકો અને આચાર્યોની કામગીરીનું મૂલ્યાંકન કરી શકે તેવા સવાલો અને ચર્ચાઓ શિક્ષણવિદના જૂથોમાં શરૂ થઇ ગઇ છે.
શિક્ષણ વિભાગે જેવી રીતે સરકારી, ગ્રાન્ડેટ અને ખાનગી શાળાઓના મોનિટરિંગ, ઇન્સ્પેક્શન અને તેના પર અંકુશ માટેની જવાબદારી તમામ જિલ્લાઓમાં ડીઇઓ અને ડીપીઇઓ કચેરીને સોંપી છે તેવી જ રીતે હવે કોલેજોના મોનિટરિંગનો નિર્ણય કર્યો છે અને તેના પાઇલટ પ્રોજેક્ટ માટે 10 જિલ્લામાં નવી નોડલ કચેરી શરૂ કરવામાં આવી છે અને હાલ પૂરતું તેના માટે શિક્ષણ નિરીક્ષક વર્ગ-2ને ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક વર્ગ-2નો ચાર્જ આપવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે નવો ચાર્જ સંભાળી લઇ તેની જાણ શાળાઓની કચેરી ગાંધીનગરને કરવા ઉપસચિવે આદેશ કર્યો છે.
કોલેજોમાં હવે ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકને મોનિટરિંગની જવાબદારી સોંપાતા ઓછો ગ્રેડ પે ધરાવતા કર્મચારીને વધુ પગાર મેળવતા પ્રાધ્યાપકો અને આચાર્યોના કામગીરીનું મૂલ્યાંકન કેવી રીતે સોંપી શકાય? તેનાથી પ્રાધ્યાપકો અને આચાર્યોની ગરિમા જોખમાવાની ભીતિ ઊભી થઇ છે અને ભવિષ્યમાં હોદ્દાની ગરિમા નહીં જળવાય તો વિવાદ થવાની ભીતિ પણ સેવાઇ રહી છે. હાલમાં ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકને જે તે જિલ્લામાં ડીઇઓ કચેરીમાં બેસવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને એક-એક કમ્પ્યૂટર ઓપરેટર ફાળવવામાં આવ્યા છે.