ઈરાન 15 દિવસથી હિંસક વિરોધ પ્રદર્શનોથી હચમચી ઉઠ્યું છે, જેમાં 538 લોકો માર્યા ગયા છે અને 10,600થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. એપી ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે મૃતકોમાં 490 પ્રોટેસ્ટર્સ અને 48 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ વિરોધ પ્રદર્શનો વચ્ચે, ઈરાને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું, “જો અમારા પર હુમલો થશે, તો અમે બદલો લઈશું”
ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલીબાફે કહ્યું કે જો અમેરિકાએ હુમલો કર્યો, તો વિસ્તારમાં હાજર તમામ અમેરિકી મિલિટ્રી બેઝ, શિપ્સ અને ઇઝરાયલ અમારા ટાર્ગેટ પર હશે. આ નિવેદન સંસદના લાઈવ સત્ર દરમિયાન આપવામાં આવ્યું હતું, જ્યાં સાંસદો ‘ડેથ ટુ અમેરિકા’ ના નારા લગાવી રહ્યા હતા.
કાલીબાફે ઈરાનની સુરક્ષા એજન્સીઓના વખાણ કરતા કહ્યું કે તેમણે સ્થિતિમાં મજબૂતીથી કામ કર્યું છે. પ્રદર્શનકારીઓને ચેતવણી આપી કે ધરપકડ કરવામાં આવેલા લોકો સાથે સૌથી કડક રીતે કામ લેવામાં આવશે અને તેમને સખત સજા આપવામાં આવશે.
ઈરાનમાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી પ્રદર્શનો ચાલુ છે. આ દરમિયાન અમેરિકી અધિકારીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર સંભવિત સૈન્ય હુમલાના વિકલ્પો અંગે બ્રીફિંગ આપી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, જો ઈરાન સરકાર પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરશે, તો ટ્રમ્પ સૈન્ય પગલાં લેવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિએ હજુ અંતિમ નિર્ણય લીધો નથી.
ટ્રમ્પે શનિવારે સોશિયલ મીડિયા પર લખ્યું, “ઈરાન આઝાદી તરફ જોઈ રહ્યું છે, જે પહેલા ક્યારેય બન્યું નથી. અમેરિકા મદદ માટે તૈયાર છે.” બીજી તરફ, ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર કાલિબાફે રવિવારે ચેતવણી આપી હતી કે જો અમેરિકા કે ઇઝરાયલ ઈરાન પર હુમલો કરશે, તો બંનેને સખત જવાબ આપવામાં આવશે.
બીજી તરફ ટાઈમ મેગેઝીને તેહરાનના એક ડોક્ટરના હવાલાથી જણાવ્યું છે કે ઓછામાં ઓછા 217 પ્રદર્શનકારીઓના મોત નોંધાયા છે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 2600થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.