યુદ્ધ વચ્ચે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું છે કે તેણે અમેરિકી F-35 ફાઈટર જેટ પર હુમલો કરી તેને નુકસાન પહોંચાડ્યું છે. IRGC એ આ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં જેટને નિશાન બનાવતા બતાવવામાં આવ્યું છે. જોકે આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી.
બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે સ્વીકાર્યું છે કે એક F-35 જેટને ઈરાન ઉપર મિશન દરમિયાન ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનને મિડલ-ઈસ્ટના કોઈ દેશમાં ઉતારવામાં આવ્યું છે.
CNN ના રિપોર્ટ મુજબ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સના જણાવ્યા અનુસાર, વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે અને પાયલોટ સુરક્ષિત છે. ઘટનાની તપાસ ચાલુ છે. જોકે અમેરિકાએ સીધી રીતે ઈરાની હુમલાની પુષ્ટિ કરી નથી.
રિપોર્ટ અનુસાર, આ પ્રથમ વખત હોઈ શકે છે જ્યારે આ યુદ્ધ દરમિયાન ઈરાને કોઈ અમેરિકી સૈન્ય વિમાનને નિશાન બનાવ્યું હોય. F-35 દુનિયાના સૌથી એડવાન્સ લડાયક વિમાનોમાં ગણાય છે અને તેની કિંમત 100 મિલિયન ડોલરથી વધુ હોય છે.
બીજી તરફ, ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું કે અત્યારે હું જીવિત છું અને આ યુદ્ધ અમે જીતી રહ્યા છીએ. તેમણે આગળ કહ્યું કે ઈરાન વિનાશ તરફ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે 20 દિવસના યુદ્ધમાં સફળતા હાંસલ કરી છે.