ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન 2 દિવસમાં ઈઝરાયલ પર હુમલો કરી શકે છે. આ દરમિયાન ઈરાનની સેનાએ ઓમાનની ખાડીમાંથી હોર્મુઝ પાસ થઈને ભારત આવી રહેલા એક માલવાહક જહાજને કબજે કરી લીધું છે.
વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, આ કાર્ગો જહાજ લંડન સ્થિત કંપનીનું છે, જેની માલિકી એક ઈઝરાયલના અબજોપતિ છે. જહાજમાં 20 ક્રૂ મેમ્બર છે, જે તમામ ફિલિપાઈન્સના નાગરિક છે. ઘટના બાદ ઈઝરાયલ આર્મીના પ્રવક્તા દાનિયાર હગારીએ કહ્યું- અમે કોઈપણ પ્રકારના હુમલા પર ચૂપ નહીં રહીએ. આનો જવાબ આપવામાં આવશે.
અહીં ભારત-અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને જર્મની સહિત 6 દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં નાગરિકોને ઈરાન અને ઈઝરાયલ ન જવાની સલાહ આપવામાં આવી છે.
હકીકતમાં, 1 એપ્રિલના રોજ ઈઝરાયલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને બદલો લેવા ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી હતી.