અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ ટૂંક સમયમાં જ થવાની શકયતાના નિવેદન અને ભારત સાથે કેટલા ટેરિફ પર ડિલ થશે એ મામલે સમીક્ષકો પોઝિટીવ અનુમાન મૂકી રહ્યા હોવા છતાં વૈશ્વિક સ્તરે ફરી જીઓપોલિટિકલ ટેન્શન વધતાં અને ચોમાસાની સારી પ્રગતિ છતાં કોર્પોરેટ પરિણામોમાં અનેક પડકારોને લઈ સાધારણથી નબળા પરિણામોની ધારણા વધતાં અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી આક્રમક બનતાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંકના પ્રથમ એક શેર દીઠ એક શેર બોનસ આપવાના નિર્ણય અને અપેક્ષાથી સારા પરિણામ તેમજ આઈસીઆઈસીઆઈ બેંકના પણ પોઝિટીવ રિઝલ્ટ આકર્ષણે ગઈકાલના ઉછાળા બાદ આજે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
વર્તમાન મહિનાના અંતે મળી રહેલી બેઠકમાં ફેડરલ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો આવવાના અહેવાલે વૈશ્વિક ડોલર ઈન્ડેકસ નબળો પડતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ચીનની ક્રુડઓઈલની આયાત ગત મહિને બે કરતા વધુ વર્ષની ઊંચી સપાટીએ રેહતા આગામી દિવસોમાં ક્રુડઓઈલમાં માંગ વધવાની ધારણાંએ ભાવ મક્કમ રહ્યા હતા.