ભારતે ન્યૂઝીલેન્ડ પર આ સિરીઝમાં સતત બીજી જીત મેળવી છે. શુક્રવારે ટીમ ઈન્ડિયાએ કિવીઝને 7 વિકેટે હરાવ્યા. ભારતે 209 રનનો ટાર્ગેટ 15.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. આ સાથે જ ટીમે 5 મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે.
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બોલ પર અણનમ 82 રનની ઇનિંગ રમી. જ્યારે ઈશાન કિશને 32 બોલ પર 76 રન બનાવ્યા. બંને વચ્ચે 122 રનની ભાગીદારી થઈ. અભિષેક શર્મા 0 અને સંજૂ સેમસન 6 રન બનાવીને આઉટ થયા.
ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે અણનમ 47 રનની ઇનિંગ રમી. રચિન રવીન્દ્રએ 44 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી.
કેપ્ટન સૂર્યકુમાર યાદવે 23 બોલ પર T20 કરિયરની 23મી ફિફ્ટી ફટકારી. ખાસ વાત એ છે કે, 23 ઇનિંગ્સના લાંબા અંતરાલ બાદ તેના બેટમાંથી ફિફ્ટી નીકળી છે.
ઈશાન કિશને (32 બોલમાં 76 રન) 2 વર્ષ, એક મહિનો અને 28 દિવસ બાદ ફિફ્ટી ફટકારી છે. તે લાંબા સમય પછી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે.
ન્યૂઝીલેન્ડના બોલર જેક ફોલ્ક્સ માટે આ મેચ ભૂલવા જેવી રહી. તેણે 67 રન લૂંટાવ્યા, જેની સાથે તે એક ઇનિંગમાં સૌથી વધુ રન આપનારા ન્યૂઝીલેન્ડનો બોલર બની ગયો છે.