ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાને કારણે પશ્ચિમ રેલવે દ્વારા 9 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જેના પગલે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના મુસાફરોને ટ્રેન મારફત તેમના સિટી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. બે દિવસમાં આઠ ટ્રિપમાં મુસાફરોએ લાભ લીધો છે.
અનુભવ સક્સેના (જનસંપર્ક અધિકારી, વડોદરા મંડળ પશ્ચિમ રેલવે)એ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે હંમેશાં તત્પર રહે છે. ફ્લાઈટ કેન્સલ થઈ રહી હતી, જેના કારણે વધારાની ભીડ જોવા મળી. વધારાની ભીડને જોતાં અને મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ હંમેશની જેમ સ્પેશિયલ ટ્રેનો જે અમારી નિયમિત ટ્રેનો ઉપરાંત હોય છે, એને ચલાવવાનો નિર્ણય કર્યો અને અત્યારસુધીમાં અમે પશ્ચિમ રેલવેએ 9 ટ્રેનની લગભગ 40 ટ્રિપ નોટિફાઈડ કરી ચૂક્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ટ્રેનો મુંબઈથી દિલ્હી તરફ જઈ રહી છે. શકુર બસ્તી, નવી દિલ્હી અને દુર્ગાપુરા, ભિવાડી, આ ડેસ્ટિનેશન માટે અમે તેમને નોટિફાઈડ કર્યા છે, જે ગુજરાત અને રાજસ્થાનને કવર કરીને જઈ રહી છે. એક ટ્રેન વલસાડથી બિલાસપુર પણ છે, જેની ફ્લાઈટ કેન્સલ થઈ છે, તે આ પરિસ્થિતિને જોતાં એક વૈકલ્પિક માર્ગ તરીકે રેલવે દ્વારા પણ યાત્રા કરી શકે છે.