ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની નવી ડિમાન્ડ નોટિસ પાઠવી છે. ANI અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે આ ડિમાન્ડ નોટિસ 2017-18 થી 2020-21 સુધીની આકારણી માટે છે અને તેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે.
એક દિવસ પહેલાં એટલે કે 28 માર્ચે દિલ્હી હાઈકોર્ટે પણ કોંગ્રેસ દ્વારા ટેક્સ એસેસમેન્ટ અંગે કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
આ પહેલાં પણ કોંગ્રેસે 2014-15 થી 2016-17 સુધીની એસેસમેન્ટ પ્રક્રિયાને પડકારી હતી. તે પણ કોર્ટે ફગાવી દીધી હતી.
ભાજપે 2017-18માં 42 કરોડ રૂપિયાની માહિતી આપી નથી
પ્રેસ કોન્ફરન્સમાં અજય માકને દાવો કર્યો હતો કે 2017-18માં અમારા 14 લાખ રૂપિયાના વોયલેશન પર ભાજપના ઈન્કમટેક્સ વિભાગે 135 કરોડ રૂપિયા કોંગ્રેસના બેંક ખાતામાંથી છીનવી લીધા હતા. એકલા 2017-18માં 1 હજાર 297 લોકોએ ભાજપને લગભગ 42 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
ભાજપે માત્ર આ લોકોના નામ લખ્યા અને છોડી દીધા. આમાં નામ અને સરનામા બંનેની માહિતી આપવાની હોય છે. ઈન્કમટેક્સે આ ઉલ્લંઘન સામે આંખ આડા કાન કર્યા. પણ અમારા 23 સાંસદો અને ધારાસભ્યોએ આપેલા 14 લાખ રૂપિયાના આધારે અમારા 135 કરોડ રૂપિયા પડાવી લેવાયા. જ્યારે અમે તેમાં નામથી લઈને સરનામું બધું જ જણાવ્યું હતું.