ઈટલીનાં PM મેલોનીનો ડીપફેક વીડિયો

ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડીપફેક વીડિયોના મામલામાં વળતરની માંગ કરી છે. 40 વર્ષના આરોપીએ તેના 73 વર્ષના પિતા સાથે મળીને મેલોનીનો વીડિયો અમેરિકન એડલ્ટ કન્ટેન્ટ વેબસાઇટ પર પોસ્ટ કર્યો હતો.

બ્રિટિશ મીડિયા BBC ​​​​​​અનુસાર, આરોપીએ મેલોનીના વડાપ્રધાન બન્યા તે પહેલાં એટલે કે 2022માં ડીપફેક વીડિયો બનાવ્યો હતો. આમાં જ્યોર્જિયાનો ચહેરો એડલ્ટ ફિલ્મ સ્ટારના ચહેરા પર લગાવવામાં આવ્યો હતો. બંને આરોપીઓ સામે માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો.

મેલોનીએ 1 લાખ યુરો એટલે કે લગભગ 90 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે. તેઓ 2 જુલાઈએ સસારી કોર્ટમાં આ કેસમાં જુબાની આપશે. બીબીસીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કથિત એડલ્ટ વીડિયો અપલોડ કરવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન દ્વારા આરોપી સુધી પહોંચી હતી.

મેલોની વળતરમાં મળેલી રકમ દાન કરશે
મેલોનીની વકીલ મારિયા ગિઉલિયા મારોન્ગીઉએ કહ્યું – વડાપ્રધાન જે વળતરની માંગ કરી રહ્યા છે તે પ્રતીકાત્મક છે. આ વળતરનો હેતુ આવા અપરાધોનો ભોગ બનેલી મહિલાઓને સંદેશ આપવાનો છે કે તેઓ પોતાનો અવાજ ઉઠાવવામાં ડરતી નથી. જો વળતર આપવામાં આવશે, તો તે હિંસાનો ભોગ બનેલી મહિલાઓને મદદ કરવા માટે એક ફંડમાં રકમ દાન કરશે.

મેલોનીની ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 2022માં અપલોડ કરાયેલ આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. ઇટાલિયન કાયદા અનુસાર, માનહાનિના કેટલાક કેસ ફોજદારી આરોપો અને સંભવિત કેદમાં પરિણમી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *