રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં સુખસાગર સોસાયટી શેરી નં.4માં ઇમિટેશન જ્વેલરીના જોબવર્કનું કામ કરતાં પશ્ચિમ બંગાળના વેપારી સહિત ચાર શખ્સમાંથી એક શખ્સે પાકિસ્તાન સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે ચારેયની અટકાયત કરી આકરી પૂછપરછ હાથ ધરી છે અને તેમાંથી બે શખ્સના મોબાઇલ કબજે લઇ તપાસ માટે સાયબર સેલમાં મોકલી આપ્યા છે.
સુખસાગર સોસાયટી શેરી નં.4માં રહેતા અને એમ.એ.કાસ્ટિંગના નામે ધંધો કરતાં મોફિઝ બંગાલીને ત્યાં ગત તા.19મી એપ્રિલે પશ્ચિમ બંગાળથી આતિફ અને અમન નામના બે શખ્સ નોકરી માટે આવ્યા હતા. દરમિયાનમાં ગત તા.25 અને 26ના રોજ પોલીસ દ્વારા ભગવતીપરા વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન પશ્ચિમ બંગાળના અમનનો મોબાઇલ કબજે કરવામાં આવ્યો હતો અને રવિવારે તા.27મીએ મોફિઝના કર્મચારીઓના વેરિફિકેશનની કામગીરી પૂર્ણ થઇ જતા મોબાઇલ પરત આપી દેવાયો હતો.
બાદમાં પોલીસને એવી બાતમી મળી હતી કે પશ્ચિમ બંગાળથી આવેલા બે શખ્સમાંથી એક શખ્સ પાકિસ્તાન સાથે સંપર્કમાં છે અને 19મીએ રાજકોટ આવ્યા બાદ ત્રણેક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો સંપર્ક કર્યો હતો.
આથી બી ડિવિઝન પોલીસે એમ.એ. કાસ્ટિંગના માલિક મોફિઝ અને તેને ત્યાં કામ કરતાં આતિફ, આસીબુલ અને અમનને ઉઠાવી લીધા હતા અને તેમની પૂછપરછ હાથ ધરી છે.