ઇમરજન્સી વોર્ડ પાસે થયેલા ખોદકામથી દર્દીઓ અને એમ્બ્યુલન્સ ચાલકો પરેશાન

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હાલમાં ચાલી રહેલી ખોદકામની કામગીરી દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ માટે માથાનો દુખાવો બની છે. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની બિલકુલ નજીક ભૂગર્ભ ટાંકી બનાવવાની કામગીરીને કારણે મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. આ ખોદકામને લીધે અડધો રસ્તો બંધ થતાં ઇમરજન્સી સ્થિતિમાં આવતી એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની અવરજવરમાં ભારે અવરોધ ઊભો થઈ રહ્યો છે.

અગાઉ આ ખાડાઓમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ જવાની ઘટના બની હતી, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ હતી. અહીં ગંભીર બાબત એ છે કે, જ્યાં ઓક્સિજનની બોટલો રાખવામાં આવી છે, તેની બિલકુલ નજીક જ આ ખોદાણ કરવામાં આવ્યું છે. ગમે ત્યારે તે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેમ છે. આ કામગીરીનાં કારણે અડધો રસ્તો રોકાઈ જતા દર્દીઓને વ્હીલચેર કે સ્ટ્રેચર પર લઈ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને રોગી કલ્યાણ સમિતિના રાજાભાઈ ચાવડા દ્વારા કામ ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટ મનપા દ્વારા શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ‘લોક કલ્યાણ મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે પૂર્વ ઝોન કચેરી ખાતે યોજાયેલા મેળામાં 335 અરજદારોએ લાભ લીધો હતો. જેમાં 11 બેંકોના સહયોગથી 270 લોન અરજીઓ અને 7 ક્રેડિટ કાર્ડ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. આ સફળતા બાદ, આજે પશ્ચિમ ઝોન કચેરી ખાતે સવારે 10:00 થી સાંજે 05:00 કલાક દરમિયાન મેળાનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં નવી લોન અરજીઓ ઓનલાઈન કરવાની સાથે બેંક લેવલે પેન્ડિંગ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતી. તેમજ, ફેરિયાઓને ડિજિટલ પેમેન્ટ અને કેશબેક અંગે સમજણ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *