રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ MLA ઈન્દ્રનીલ રાજ્યગુરુનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેઓ રાહુલ ગાંધીનાં ભરપેટ વખાણ કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં રાહુલ ગાંધીનાં આ વખાણ કરવામાં ભાન ભૂલી ઈન્દ્રનીલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ‘લુચ્ચા’ કહીને સંબોધી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે.
આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં જો બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે, સચ્ચાઈના રસ્તે છે, ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી. આ માણસ તો સંપૂર્ણપણે નિખાલસ અને સાચો માણસ છે. તેમને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો અને તેના માટે જ અબજો રૂપિયા વાપરી નાખ્યા, આમ છતાં તેઓ અડગ રહીને લડ્યા છે. આજે દેશ તેમને સ્વીકારે છે કે, માણસ બરાબર છે. નરેન્દ્ર મોદી બફાટ કરે તેનાથી કોઈને કંઈ ફરક પડતો નથી. પરંતુ રાહુલ ગાંધી એમ કહે કે, NDA સરકાર બનતી નથી અને 200થી વધુ બેઠક તેઓને નહીં મળે ત્યારે તેમાં કાંઈક તથ્ય હશે.
ઉલ્લેખનીય છે કે, આ વીડિયો કઈ જગ્યાનો તેમજ ક્યારનો છે તે હજુ સામે આવ્યું નથી. પરંતુ વીડિયોમાં સ્ટેજ ઉપર ઈન્દ્રનીલ ભાષણ કરતા નજરે પડી રહ્યા છે. કોર્પોરેટર વશરામ સાગઠિયા સહિતના કોંગ્રેસના નેતાઓ પણ જોવા મળી રહ્યા છે. પરેશ ધાનાણીનું બેનર લાગેલું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે વીડિયો આગામી લોકસભા ચૂંટણીના પ્રચારનો હોવાનું જણાઇ રહ્યું છે. જોકે, હકીકતમાં આ વીડિયોમાં કેટલી સચ્ચાઈ છે તે તપાસનો વિષય છે. પરંતુ કોંગ્રેસના જ નેતા દ્વારા મહાત્મા ગાંધીજીનું અપમાન કરતો આ વીડિયો સામે આવતા અનેક સવાલો ઊઠી રહ્યા છે.