શહેરમાં રૈયાધાર પાસેના ઇન્દિરાનગરમાં સામાન્ય અકસ્માત બાદ બે પક્ષ વચ્ચે ધોકા,પથ્થર વડે મારામારી થતાં બન્ને પક્ષે ત્રણને ઇજા થતાં પોલીસે સામસામે પાંચ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
રૈયાધાર પાસે ચારબાઇ મંદિર પાસેના મફતિયાપરામાં રહેતા પ્રભાતભાઇ ધરમશીભાઇ સોલંકી તેના બહેન તેજલ, બનેવી સાહિલ ભાવેશભાઇ મકવાણા સહિતનાને ભાઇ દેવરાજની રિક્ષામાં બેસાડી સાસરિયાંમાં મોટામવા ખાતે મૂકવા જતા હતા ત્યારે મારવાડીવાસ પાસે બાઇક અડી જતાં ઘરમાંથી બહાર આવેલા ભરત પરબત ચૌહાણે ધોકા સાથે ધસી આવી દેવરાજ પર હુમલો કર્યો હતો. જ્યારે તેને છોડાવવા જતા ભરત અને તેનો ભાઇ વિપુલએ પ્રભાત, બનેવી સાહિલને પણ મારકૂટ કરી નાસી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
જ્યારે સામા પક્ષે ભરત પરબતભાઇ ચૌહાણ (ઉ.28) અને તેનો ભાઇ વિપુલ (ઉ.25) તેના ઘર પાસે હતા ત્યારે દેવરાજએ તેની રિક્ષામાં બાઇકને ઠોકરે લેતાં જોઇને રિક્ષા ચલાવવાનું કહેતા દેવરાજ ઉપરાંત પ્રભાત અને તેનો બનેવી સહિતે ઢીકાપાટુ તેમજ પથ્થર વડે હુમલો કર્યાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થતાં પીએસઆઇ પંડ્યા સહિતના સ્ટાફે સામસામે ફરિયાદ પરથી પાંચ આરોપી સામે નોંધ્યો હતો.