ઇન્ડોર સ્ટેડિયમમાં ગંદકીની સફાઇ ખેલાડીઓને કરવી પડી

શહેરમાં એસએજી સંચાલિત ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલી કરાટેની ટૂર્નામેન્ટ બાદ ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી ગંદકીથી રોજિંદા પ્રેક્ટિસ કરવા આવતા ખેલાડીઓમાં રોષની લાગણી વ્યાપી હતી અને જાત મહેનત જિંદાબાદથી ગંદકીના ગંજની સાફસફાઇક રી હતી.શહેરના યુનિવર્સિટી રોડ, પ્રેમ મંદિર પાસે આવેલા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત ઇન્ડોર સ્ટેડિયમમાં ગત રવિવારે રાષ્ટ્રીય કરાટે ફેડરેશનના નેજા હેઠળ રાષ્ટ્રીય કક્ષાની કરાટે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કરાટેની સ્પર્ધા મોડી રાતે પૂરી થઇ હતી. દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન સહિતની ઇન્ડોર રમતની પ્રેક્ટિસ કરવા આવતા મેમ્બરો સોમવારે સવારે સ્ટેડિયમ પર પહોંચ્યા હતા.

જ્યાં બેડમિન્ટન કોર્ટ પર નાસ્તાના ખાલી પડીકાઓ, ચાના કપ, પાણીની તેમજ પીણાંની પ્લાસ્ટિકની બોટલો વેરણ છેરણ જોવા મળી હતી. કરાટે સ્પર્ધા દરમિયાન થયેલી ગંદકીને આયોજકોની સાથે સ્ટેડિયમ સ્ટાફે પણ ધ્યાને લીધી ન હતી. મહિને રૂ.1200ની ફી ચૂકવી નિયમિત સવારે પ્રેક્ટિસ કરવા આવતા ખેલાડીઓએ પ્રેક્ટિસનો સમય ન વેડફાય તે માટે જાતે જ બેડમિન્ટન કોર્ટ પર વેરણ છેરણ ગંદકીના ગંજને સાફ કરવાની ફરજ પડી હતી. ટૂર્નામેન્ટ આયોજકોથી તેમજ સ્ટેડિયમ સ્ટાફની બેદરકારીને કારણે મસમોટી ફી ચૂકવનાર ખેલાડીઓને સાફસફાઇ કરવાનો વખત આવતા રોષની લાગણી વ્યાપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *