દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો મોટા પાયે પાઇલટોની ભરતી કરવાની તૈયારીમાં છે. કંપની 1,000થી વધુ પાઇલટોની નિમણૂક કરશે. આ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં કોઈપણ એરલાઇન દ્વારા કરવામાં આવતી સૌથી મોટી ભરતી ઝુંબેશમાંની એક છે.
આ નિર્ણય ગયા વર્ષે ડિસેમ્બરમાં આવેલી ઓપરેશનલ મુશ્કેલીઓ પછી લેવામાં આવ્યો છે, જ્યારે ક્રૂની અછતને કારણે માત્ર 7 દિવસમાં 5,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ડિગોની આ ભરતી પ્રક્રિયામાં ટ્રેઇની ફર્સ્ટ ઓફિસર, સિનિયર ફર્સ્ટ ઓફિસર અને કેપ્ટનના પદોનો સમાવેશ થાય છે. કંપની તેના વિસ્તરણ અને રેગ્યુલેટરી જરૂરિયાતોને પૂરી કરવા માટે આ પગલું ભરી રહી છે.
દર મહિને 4 નવા વિમાન સામેલ થઈ રહ્યા છે
ઇન્ડિગો દર મહિને કાફલામાં 4 નવા વિમાન ઉમેરશે. તેમને ઉડાડવા માટે નવા પાઇલટ્સની જરૂર છે. કંપની દર મહિને 20 થી 25 ફર્સ્ટ ઓફિસરને પ્રમોટ કરીને કેપ્ટન બનાવી રહી છે. એક ટ્રેની ઓફિસરને તૈયાર થવામાં 6 મહિના લાગે છે. કેપ્ટન બનવા માટે 1,500 કલાક ઉડાનનો અનુભવ જરૂરી છે. કંપની આ ધોરણોને કડક કરી રહી છે.