ઇન્ડિગો ક્રાઇસિસના 3 મહિના બાદ CEOનું રાજીનામું

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પીટર એલ્બર્સે પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ મંગળવાર, 10 માર્ચના રોજ રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. એલ્બર્સના ગયા પછી, હવે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયા વચગાળાના ધોરણે એરલાઇનના કામકાજની જવાબદારી સંભાળશે.

3 મહિના પહેલા ઇન્ડિગોને ભારે ફ્લાઇટ ઓપરેશન્સ સંકટનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન લગભગ 3 લાખ મુસાફરો ફસાયા હતા, જેના પછી એવિએશન રેગ્યુલેટર DGCAએ એરલાઇન પર ₹22.20 કરોડનો ભારે દંડ પણ ફટકાર્યો હતો.

ઇન્ડિગોએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આજે એટલે કે 10 માર્ચ, 2026ના રોજ મળેલી મીટિંગમાં CEO પીટર એલ્બર્સના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. તેમને આજે બિઝનેસ અવર્સ પૂરા થયા પછી જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ રાહુલ ભાટિયા કંપનીના કાર્યોનું સંચાલન કરશે.

ડિસેમ્બરથી જ દબાણમાં હતા પીટર એલ્બર્સ

પીટર એલ્બર્સે સપ્ટેમ્બર 2022માં ઇન્ડિગોની કમાન સંભાળી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં એરલાઇનને તેના ઇતિહાસના સૌથી ખરાબ ઓપરેશનલ સંકટનો સામનો કરવો પડ્યો હતો. સેંકડો ફ્લાઇટ્સ રદ થવા અને વિલંબને કારણે એરલાઇનની શાખ પર ખરાબ અસર પડી હતી. રિપોર્ટ્સ અનુસાર, આ સંકટને કારણે કંપનીને લગભગ ₹2,000 કરોડનું નુકસાન પણ થયું હતું. ત્યારથી જ એલ્બર્સ પર રાજીનામાનું દબાણ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *