દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોની ફ્લાઇટ્સ ગુરુવારથી મોંઘી થઈ જશે. એરલાઇને ડોમેસ્ટિક ઉડાનોમાં મહત્તમ ₹950 સુધી અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં ₹10,000 સુધીનો વધારાનો ફ્યુઅલ ચાર્જ લગાવ્યો છે. નવી કિંમતો 2 એપ્રિલ રાત્રે 12:01 વાગ્યાથી લાગુ પડશે.
ઇન્ડિગોએ 18 દિવસમાં બીજી વાર ઘરેલુ અને ઇન્ટરનેશનલ ઉડાનો પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. આ પહેલા કંપનીએ 14 માર્ચે પણ ભાડામાં વધારો કર્યો હતો.
કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલની કિંમતોમાં વધારાને કારણે લેવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) અનુસાર, છેલ્લા એક મહિનામાં ફ્યુઅલની કિંમતો 130%થી વધુ વધી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને સંપૂર્ણ બોજ ગ્રાહકો પર નાખવાથી રોક્યા છે. સરકારે હાલમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે માત્ર ભાડા પર 25% વધારાની જ મંજૂરી આપી છે.
ઇન્ડિગો અનુસાર, તેમણે અંતર મુજબ ફ્યુઅલ ચાર્જને ‘રી-કેલિબ્રેટ’ કર્યો છે, એટલે કે તમારી મુસાફરી જેટલી લાંબી હશે, ટિકિટ માટે ફ્યુઅલ ચાર્જ પણ તેટલો જ વધુ ચૂકવવો પડશે.