ઇનર વિલ ક્લબની 101માં સ્થાપના દિવસે અનોખી પહેલ

ઇન્ટરનેશનલ ઇનર વિલ ક્લબના 101માં સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટમાં એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી પહેલ કરવામાં આવી છે. ઈનર વિલ ક્લબ ઓફ રાજકોટ અને કુંડારીયા કેન્સર પ્રિવેંશન ફાઉન્ડેશન – રાજકોટ ડિવિઝન કેન્સર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની 20 વિદ્યાર્થીનીઓને ગર્ભાશયના મુખના કેન્સર(સર્વાઇકલ કેન્સર) સામે રક્ષણ આપતી રસી વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઇનર વિલ ક્લબના પ્રમુખ પદાધિકારીઓ પ્રેસિડેન્ટ અંજલિ માનવાણી, વાઇસ પ્રેસિડેન્ટ પરાસબેન ચોટાઈ, સેક્રેટરી ભારતીબેન સંઘવી અને ટ્રેઝરર મીનાબેન ગોસલીયા ઉપસ્થિત રહ્યા હતા. શાળા તરફથી શિક્ષિકા મૌસમી મહેતાએ પણ હાજરી આપી હતી.

કુંડારીયા કેન્સર પ્રિવેંશન ફાઉન્ડેશન – ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટીએ અત્યાર સુધીમાં 23,000થી વધુ કન્યાઓને રાહત દરે રસીકરણ કરી સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા પ્રદાન કરી છે. સંસ્થાના વાઇસ ચેરમેન શાંતિભાઈ ફળદુ, સીઈઓ અરુણ પટેલ અને સમગ્ર ટીમ આ કાર્યમાં સતત પ્રયત્નશીલ છે. આ પહેલ દ્વારા યુવા કન્યાઓને ભવિષ્યમાં થનારા ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ મળશે, જે મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *