ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક અઠવાડિયા સુધી ચાલેલા યુદ્ધવિરામ બાદ ફરી યુદ્ધ શરૂ થયું છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, IDFએ ગાઝા પર બોમ્બમારો શરૂ કર્યો. ઇઝરાયલના હોલિત વિસ્તારમાં રોકેટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IDFએ હમાસ પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ ગાઝામાં હમાસને ખતમ કરવા માટે ફરી ઓપરેશન શરૂ કરી રહ્યા છે. હમાસના હુમલાને કારણે ઇઝરાયલે ઉત્તર ઇઝરાયલમાં 2 હાઈવે બંધ કરી દીધા છે.
કતારી મીડિયા હાઉસ અલ જઝીરા અનુસાર, ઇસ્લામિક જેહાદની સૈન્ય શાખા અલ-કુદ્સ દ્વારા સવારે કેટલાંક ઇઝરાયલી શહેરો પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાને કારણે ઇઝરાયલે ઉત્તર ઇઝરાયલમાં 2 હાઈવે બંધ કરી દીધા છે. આ ઉપરાંત સરહદી વિસ્તારોમાં ખેતીકામ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઇઝરાયલી સેનાએ ગાઝાના લોકોને ખાન યુનિસ વિસ્તાર ખાલી કરવાનો આદેશ પણ આપ્યો છે. આ માટે અરબી ભાષામાં લખેલાં પેમ્ફલેટો ઉડાડવામાં આવ્યાં છે, સાથે જ હમાસે કહ્યું હતું કે ઇઝરાયલે સવારે રાફા પાસે બોમ્બમારો કર્યો હતો. આમાં ડઝનબંધ પેલેસ્ટિનિયનોનાં મોત થયાં હતાં. કતારના મીડિયા હાઉસ અલ-જઝીરા અનુસાર, યુદ્ધવિરામના 3 કલાકની અંદર 32 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
અહીં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે હમાસ વધુ બંધકોને છોડવા માગતું નથી, જેના કારણે યુદ્ધવિરામને વધુ લંબાવી શકાયો નથી. હમાસે તમામ મહિલાઓને પણ છોડી ન હતી અને ઇઝરાયલ પર રોકેટ છોડવાનું શરૂ કર્યું હતું.
7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં ઇઝરાયલમાં 1200 અને ગાઝામાં 14 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન ઇઝરાયલ જવા રવાના થઈ ગયા.