છેલ્લા 72 કલાકમાં ઇઝરાયલે 6 દેશો પર હુમલો કર્યો છે. જેમાં ગાઝા (પેલેસ્ટાઇન), સીરિયા, લેબનોન, કતાર, યમન અને ટ્યુનિશિયાનો સમાવેશ થાય છે. આ હુમલાઓમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે અને 1000થી વધુ ઘાયલ થયા છે.
આ હુમલાઓ સોમવાર અને બુધવાર વચ્ચે કરવામાં આવ્યા હતા. ઇઝરાયલનું કહેવું છે કે તે આ દેશોમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. આ અંગે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કતારની રાજધાની દોહામાં હમાસના અધિકારીઓ પર થયેલા હુમલાનો બચાવ કર્યો. તેમણે આ હુમલાની સરખામણી 9/11ના હુમલા પછી અમેરિકાની કાર્યવાહી સાથે કરી. તેમણે કહ્યું કે ઇઝરાયલે પણ એ જ કામ કર્યું જે અમેરિકાએ તે સમયે કર્યું હતું.
મંગળવારે ઇઝરાયલી સેનાએ કતારની રાજધાની દોહા પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલો હમાસના વડા ખલીલ અલ-હૈયાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અલ-હૈયાના પુત્ર, ઓફિસ ડિરેક્ટર, ત્રણ ગાર્ડ અને એક કતારી સુરક્ષા અધિકારી સહિત છ લોકો માર્યા ગયા હતા.
આ હુમલા સમયે, હમાસના નેતાઓ અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા હતા. આ હુમલા પછી, હમાસે યુદ્ધવિરામ માટે સંમત થવાનો ઇનકાર કર્યો.