પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાતનો બીજો દિવસ છે.ઇઝરાયલમાં પણ હવે ભારતની UPI ચુકવણી સિસ્ટમ ચાલશે. આ નિર્ણય મોદી અને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન સમજુતી થઈ હતી.
પીએમ નેતન્યાહૂ સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફ્રન્સમાં મોદીએ કહ્યું – ભારત ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)પર હસ્તાક્ષર કરશે, ઇઝરાયલ આવવું મારા માટે ગર્વની વાત છે. મોદી અને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ તેમની દ્વિપક્ષીય બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે ઇઝરાયલની નવી ટેકનોલોજી ભારતના દરેક ગામ સુધી પહોંચશે, જેનાથી લાખો ખેડૂતોની આવક અને ઉત્પાદન બંનેમાં વધારો થશે. સાથે મળીને, આપણે ભવિષ્ય માટે તૈયાર ખેતી માટે નવા ઉકેલો વિકસાવીશું. ભારતમાં ભારત-ઇઝરાયલ ઇનોવેશન સેન્ટર ફોર એગ્રીકલ્ચરની સ્થાપના આ સહયોગને વધુ મજબૂત બનાવશે.
નેતન્યાહૂએ કહ્યું કે આજે, શિક્ષણ ક્ષેત્રે નવી ટેકનોલોજી અને AIની મદદથી, દરેક વિદ્યાર્થી સુધી સરળતાથી પહોંચી શકાય છે અને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાની તક આપી શકાય છે. તેમણે કહ્યું કે પહેલા જે સમસ્યાઓ અને મર્યાદાઓ હતી તે હવે રહી નથી.
તેમણે કહ્યું કે ભવિષ્ય એવા દેશોનું છે જે નવું વિચારે છે અને નવું કામ કરે છે. ઇઝરાયલ અને ભારત બંને નવા વિચારો અને ટેકનોલોજી પર ભાર મૂકી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી અને ઇઝરાયલી PM નેતન્યાહૂ વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળી હતી. આ બેઠકમાં સંરક્ષણ સહયોગ, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, સાયબર સુરક્ષા અને અદ્યતન ટેકનોલોજી પર ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે અનેક MoU પર હસ્તાક્ષર થયા.
આ પહેલા પીએમ મોદીએ જેરુસલેમમાં આવેલ હોલોકોસ્ટ મેમોરિયલ ‘યાદ વાશેમ’ ખાતે માર્યા ગયેલા યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ મોદીએ ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ યાદ વાશેમ ખાતે એક વૃક્ષ વાવ્યું. મોદીએ ગેસ્ટ બુકમાં ભારતનો મેસેજ પણ લખ્યો.
ત્યારબાદ મોદી ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મળ્યા. બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક યોજી. બેઠક દરમિયાન, આઇઝેકે મોદીનું સ્વાગત કરતા કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ પામી રહી છે, જેનાથી પુરી દુનિયાનું ધ્યાન તેની તરફ ખેંચાઈ રહ્યું છે. પીએમ મોદીએ પણ કહ્યું કે ઇઝરાયલને ભારતીયો પ્રત્યે ગાઢ પ્રેમ છે.