ઇઝરાયલમાં પેલેસ્ટિનિયન ગુનેગારોને સુનાવણી વિના મોતની સજા

ઇઝરાયલની સંસદ (નેસેટ) એ સોમવારે પેલેસ્ટાઈની ગુનેગારોને સજા આપતું બિલ પસાર કર્યું છે. આ અંતર્ગત વેસ્ટ બેંકના પેલેસ્ટાઈનીઓને ઇઝરાયલી નાગરિકોની હત્યા કરવા અથવા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ સીધી મૃત્યુદંડની સજા આપી શકાશે.

આમાં અપીલનો પણ કોઈ અધિકાર રહેશે નહીં. સજા સંભળાવ્યાના 90 દિવસની અંદર ફાંસી આપવામાં આવશે. આ કાયદો રાષ્ટ્રવાદી અથવા આતંકવાદી ઇરાદાથી કરવામાં આવેલી હત્યાઓ પર લાગુ પડશે. જોકે, અદાલતને વિશેષ કારણો હેઠળ આજીવન કેદની સજા આપવાનો પણ અધિકાર હશે.

આ બિલ રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇત્તમાર બેન ગ્વિરે આગળ વધાર્યું હતું. બિલ પસાર થયા પછી બેન ગ્વિર અને અન્ય સાંસદોએ સંસદમાં જ શેમ્પેનની બોટલ ખોલીને ઉજવણી કરી. તેમણે કહ્યું, “આજે ઇઝરાયલ રમતના નિયમો બદલી રહ્યું છે, જે યહૂદીઓની હત્યા કરશે, તે શ્વાસ લઈ શકશે નહીં.”

બેન ગ્વિરે અગાઉ ધમકી આપી હતી કે જો બિલ પર મતદાન નહીં કરાવવામાં આવે તો તેમની પાર્ટી સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લેશે.

આ બિલની માગ ઇઝરાયલના કટ્ટરપંથી જમણેરી જૂથો લાંબા સમયથી કરી રહ્યા હતા. વેસ્ટ બેંકમાં પેલેસ્ટિનિયનો પર મિલિટરી કાયદો લાગુ પડે છે. આ બિલ દ્વારા મિલિટરી કોર્ટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેનાથી હવે ન્યાયાધીશો સર્વસંમતિ વિના પણ મૃત્યુદંડની સજા સંભળાવી શકશે.

બીજી તરફ, ઇઝરાયલી યહૂદી વસાહતના રહેવાસીઓ જે વેસ્ટ બેંકમાં રહે છે, તેમના પર ઇઝરાયલી સિવિલિયન કાયદો લાગુ પડે છે. તેનો અર્થ એ છે કે તેમનો કેસ સામાન્ય ઇઝરાયલી નાગરિક અદાલતોમાં ચાલે છે.

આનું પરિણામ એ છે કે એક જ વિસ્તારમાં બે લોકો એક જ પ્રકારનો ગુનો કરે તો તેમને અલગ-અલગ સજા આપવામાં આવશે. આનાથી પેલેસ્ટાઈનીઓ માટે મૃત્યુદંડની આશંકા વધી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *