દસ્તાવેજો, ઇમેલ અને કેટલાક ઇન્ટરવ્યૂથી જાણવા મળ્યું છે કે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસના હુમલા પૂર્વઆયોજિત હતા. નવાઈની વાત એ છે કે ઇઝરાયલની સેના અને ગુપ્તચર સંસ્થા મોસાદને પણ એની જાણ હતી, પરંતુ તેઓ એવી ભ્રમમાં રહ્યા કે હમાસ પાસે આવા હુમલા કરવાની ક્ષમતા નથી.
ઓક્ટોબર 7ના હુમલાને રોકવામાં તેની નિષ્ફળતા માટે હવે ઇઝરાયલની તપાસ કરવામાં આવી રહી છે. 40 પાનાંનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે. તેને ‘જેરિકો વોલ’ કોડ નામ આપવામાં આવ્યું છે. જોકે આ કોઈ નવું નામ નથી. ઇઝરાયલમાં આ કોઈપણ ગુપ્ત માહિતી અથવા લશ્કરી દસ્તાવેજ અથવા મૂલ્યાંકનને આપવામાં આવેલું નામ છે. આ દસ્તાવેજમાં દરેક સ્તરે નિષ્ફળતાઓને ક્રમિક રીતે સમજાવવામાં આવી છે.
મૂળરૂપે આ દસ્તાવેજ હિબ્રુમાં છે, પરંતુ ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’માં એનું ભાષાંતર છે. હમાસ દ્વારા હુમલા માટે કોઈ તારીખનો ઉલ્લેખ નથી, પરંતુ એ ચોક્કસપણે ઉલ્લેખિત છે કે ગાઝાપટ્ટીમાં જબરદસ્ત લશ્કરી તૈયારી કરવામાં આવી હતી. ઇઝરાયલનાં શહેરો પર હુમલો કરવા ઉપરાંત તેમનો ઉદ્દેશ તેનાં લશ્કરી થાણાં અને વિભાગીય મુખ્યાલયોને નિશાન બનાવવાનો હતો.
હમાસે ઓક્ટોબર 7ના હુમલાને ચોકસાઈથી અંજામ આપ્યો હતો. સરહદ પર રોકેટ છોડવામાં આવ્યાં, સુરક્ષા કેમેરા ડ્રોન દ્વારા નષ્ટ કરવામાં આવ્યા અને મશીનગન દ્વારા હુમલા કરવામાં આવ્યા. હમાસના આતંકવાદીઓ પેરાગ્લાઈડર, બાઈક અને જમીન માર્ગે ઇઝરાયલમાં પ્રવેશ્યા હતા. હમાસ પાસે ઇઝરાયલી સૈન્ય વિશે ખૂબ જ વિગતવાર માહિતી હતી. હવે સવાલ એ છે કે હમાસે આટલી બધી ગુપ્ત માહિતી કેવી રીતે એકઠી કરી?