દુનિયાભરમાં દર વર્ષે અબજપતિઓની સંખ્યા વધી રહી છે તેમાંથી સેલ્ફ મેડ અબજપતિઓની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ આ વર્ષે નવા બનેલા અબજપતિઓમાં વધુ હિસ્સો એ લોકોનો છે, જેમને વારસામાં મોટા પાયે સંપત્તિ મળી છે. યુબીએસ ગ્રુપ એજી દ્વારા કરાયેલા અબજપતિઓના એક વાર્ષિક સ્ટડી અનુસાર, વર્ષના પહેલા ક્વાર્ટરમાં 53 અબજપતિઓની પાસે વારસામાં મળેલી 151 અબજ ડોલર (અંદાજે 12.6 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ હતી. બીજી તરફ 84 સેલ્ફ મેડ અબજપતિઓની પાસે 141 અબજ ડોલર (અંદાજે 11.75 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ હતી.
સ્વિસ બેન્ક અનુસાર, વારસાગત મળેલી સંપત્તિ વાળા અબજપતિઓની સંખ્યાનો આંકડો સતત વધી રહ્યો છે. આગામી બે થી ત્રણ દાયકામાં એક હજારથી વધુ અબજપતિ આંત્રપ્રેન્યોર્સ લગભગ 5.2 ટ્રિલિયન ડોલર (અંદાજે 437 કરોડ રૂપિયા)ની સંપત્તિ પોતાના ઉત્તરાધિકારો માટે છોડી શકે છે.
યુબીએના સરવેના પરિણામમાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે સેલ્ફ મેડ અબજપતિઓ અને તેમના ઉત્તરાધિકારીઓના દૃષ્ટિકોણમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. બીજી પેઢીના અબજપતિઓનું મુખ્ય લક્ષ્ય પૂર્વજો પાસેથી હાંસલ સંપત્તિ વધારવાનું તેમજ આગામી પેઢીને તેમનો ફાયદો લેવામાં સક્ષમ બનાવવાનું છે.
પરંતુ એક-તૃતીયાંશ અબજપતિ ઉત્તરાધિકારીઓએ પરોપકાર અને દુનિયા તેમજ સમાજ પર અસર છોડવાને પોતાનો મુખ્ય ઉદ્દેશ્ય ગણાવ્યો છે. માત્ર 16% ઉત્તરાધિકારીઓએ કહ્યું કે તેમની પ્રાથમિકતા સાંસ્કૃતિક વારસો અથવા ખેલકૂદના આયોજનો મારફતે બીજાને સક્ષમ બનાવવાનો તેમજ સમર્થન આપવાનો છે. બીજી તરફ તેને પ્રાથમિકતા આપતા પહેલી પેઢીના અબજપતિઓનો આંકડો 48% છે.