આહીર સમાજના સમૂહલગ્ન, વ્યસન મુક્તિના સંકલ્પ લેવડાવાશે

આહીર યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાલે સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાનૈયા-માંડવિયાઓને વ્યસન મુક્તિના સંકલ્પ લેવડાવવામાં આવશે. તેમજ દર્દીઓને મદદરૂપ થઇ શકાય તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દાતાઓના સહયોગથી દીકરીઓને 101 ચીજવસ્તુ ભેટમાં આપવામાં આવશે.નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે સંતો-મહંતો પણ હાજરી આપશે તેમ આહીર યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અર્જુનભાઈ હુંબલે જણાવ્યું છે.

સમૂહલગ્નમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મહેમાનો આવશે. આજના યુવાનોમાં નાની ઉંમરમાં વ્યસનનું પ્રમાણ જોવા મળે છે જેને કારણે કેન્સર જેવી બીમારીનો ભોગ બનવું પડે છે. આમ, પરિવાર અને સમાજને આર્થિક, સામાજિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. યુવાનોમાં જાગૃતતા આવે તે માટે દરેક મહેમાનોને વ્યસન મુક્તિના સંકલ્પ લેવડાવવામાં આવશે. આ સિવાય ગરીબ દર્દીઓ કે જેને બ્લડની જરૂર પડે છે તેઓને હેરાન થવું પડે છે. આથી,તેઓને મદદરૂપ બની શકાય તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં 34 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે.

આજે દીકરા-દીકરીના લગ્ન માટે માતા-પિતા પર કયારેક આર્થિક દેવું થઇ જાય છે.જેને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા પરિવારજનોને મદદરૂપ થઇ શકાય તે માટે સંસ્થા દ્વારા આ સમૂહલગ્નની પહેલ કરવામાં આવી છે. આ વર્ષે સમિતિ દ્વારા 30માં સમૂહલગ્નનું આયોજન કરાયું છે. સમૂહલગ્ન શ્રીજી પાર્ટી પ્લોટ, યુનિટ નંબર 1-2 ખાતે સાંજે 6.30 કલાકે યોજાશે જેમાં જાનૈયાનું વાજતે- ગાજતે સ્વાગત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *