સુરતની યુવતી સાથે દુષ્કર્મના કિસ્સામાં આસારામ સામે વર્ષ 2013માં IPCની કલમ 376, 377, 354, 357, 342, 346, 504, 506(2), 201, 175, 179 અને 120 B મુજબ ગુનો નોંધાયો હતો. આ કેસ ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ગત વર્ષે કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ કેસમાં જામીન અરજી ઉપરાંત ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને આસારામે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેની સુનાવણી જજ એ.એસ સુપેહીયા અને વિમલ વ્યાસની કોર્ટમાં ચાલી રહી છે. આસારામના વકીલ આશિષ ડગલી અને આઇ.એચ. સૈયદ કોર્ટમાં ઉપસ્થિત થયા હતા અને તેણે આ અપીલ પર વહેલી સુનાવણીની માગ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી હાલ મરણ પથારીએ છે. ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે, અમને એવું લાગતું નથી. અમે રાજસ્થાન હાઇકોર્ટનું જજમેન્ટ વાંચ્યું છે.
વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, ગાંધીનગર સેશન્સ કોર્ટનો ચુકાદો 1100 પાનાનો છે. જ્યારે તમામ રેકોર્ડ થઈને 11000 જેટલા પાના થવા જાય છે. આથી તેમને સરળતા ખાતર 6 પેજનું એક સંકલન બનાવ્યું છે. જેમાં કોર્ટે ઓર્ડર આપતી વખતે ધ્યાને લીધેલ સાક્ષીઓ અને પૂરાવા પણ છે. જેની અંદર રહીને જ તેઓ આ કોર્ટ સમક્ષ દલીલો કરશે.
કોર્ટે કહ્યું હતું કે, એક વખત આટલા ભારે રેકોર્ડના અભ્યાસ પછી તેઓ આસારામને આ અરજી પરત ખેંચવાની પરમિશન આપશે નહીં. આસારામના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસમાં 7 આરોપીઓ હતા. જેમાંથી આસારામને દોષી ઠેરવીને આજીવન કરાવાસની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે છ જેટલા લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2013માં આસારામ વિરૂદ્ધ સુરતની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ યુવતી જ્યારે આસારામના અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે હતી ત્યારે આસારામે તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું.