રાજકોટ શહેરના રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાસે આવેલા દ્વારકેશ પાર્કમાં પરિણિતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ કરતા પરિણીતા રાત્રે બીજાની ગાડીમાંથી ઉતરતા પતિ જોઈ ગયો હોવાથી પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનું લાગી આવતાં પરિણીતાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પત્નીએ ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો મૂળ નેપાળની 23 વર્ષીય યુવતીએ ગઈકાલે (26 ઓગસ્ટ) રાત્રે 12.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી અને 108ને જાણ કરતા ઈએમટી સંજના પરમારએ સ્થળ પર પરિણિતાને તપાસી મૃત જાહેર કરી હતી.
યુવતી પગી પણું અને ઘરકામ કરતી પોલીસે પરિવારની પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા અને તેને સંતાનમાં 6 વર્ષની દીકરી છે. મૃતક પરિણીતા એપાર્ટમેન્ટમાં પગી પણું અને ઘરકામ કરતી હતી અને એપાર્ટમેન્ટની ઓરડીમાં તેઓ પરિવાર સાથે રહેતા હતા અને તેનો પતિ રામાપીર ચોક પાસે આવેલ ચાઈનીઝ પંજાબી રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે.