રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ કેન્દ્રીય વિદ્યાલયના સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકની બોગસ સહીઓ કરી રૂ.23.83 લાખની છેતરપીંડી આચરતાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં પોલીસે આરોપી દેવેન્દ્ર ગણાત્રાની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રિન્સિપાલ ગંગારામ મીણાએ નોંધાવી ફરિયાદ
રાજકોટની કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ ગંગારામ મીણા (ઉ.વ.47)એ ફરીયાદમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય વિદ્યાલયમાં તેઓની સાથે સીનીયર સેક્રેટરીયટ આસીસ્ટન્ટ (એસ.એસ.એ.) તરીકે દેવેન્દ્ર ગણાત્રા ફરજ બજાવે છે. તેઓના ત્રણ બેંક એકાઉન્ટ આવેલ છે તે તમામ ખાતાઓમાંથી નાણાકીય વ્યવહારો કરવા માટે તેઓ તેમજ કેન્દ્રીય વિદ્યાલાયમા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (ઇંગ્લીશ) તરીકે ફરજ બજાવતા ગૌતમભાઈ પરમારની સાથે સહીઓ થતી હોય અને બાદમાં દેવેન્દ્ર ગણાત્રા તમામ નાણાકીય વ્યવહારો કરતા હોય છે તેમજ શાળામા એક ચેક ઇસ્યુ રજીસ્ટર પણ નીભાવવામા આવે છે જે રજીસ્ટરમાં તેઓની તેમજ જેને ચેક બનાવેલ હોય તેની સહીઓ તેમજ તે રજીસ્ટરમા ચેક નંબર, તારીખ, રકમ, બેંકનુ નામ, જેને ચેક આપેલ છે તે પાર્ટીનું નામ, ચેક આપવાનો હેતુ, કયા વિભાગમાં ખર્ચ કરેલ છે તે તથા ચેક પોસ્ટમાં મોકલેલ હોય તેની વિગત તથા સહીઓ તથા રીમાર્ક વાળા કોલમનુ બનાવેલ છે અને આ રજીસ્ટર નીભાવવાનુ કામ પણ દેવેન્દ્ર ગણાત્રાનુ છે.