કોરોનાના કેસ ફરી ધીમે ધીમે વધી રહ્યા છે ત્યારે એક સમયે ખતરનાક ગણાતા કોરોના વાઈરસ સંક્રમણથી બચવા માટે આરોગ્ય નિષ્ણાતો ફરી એક વખત ઇમ્યુનિટી વધારવાની સલાહ આપી રહ્યા છે. એવામાં ઇમ્યુનિટી બૂસ્ટર ગણાતા ઉકાળા પણ ચર્ચામાં છે. કોરોનાકાળ વખતે આ ઘાતક વાઇરસથી બચવા આયુષ મંત્રાલયે ઉકાળો બનાવવાની વિધિ પણ જણાવી હતી પણ તમે એ તથ્ય સમજી લો કે કોઇ પણ આયુર્વેદિક ઔષધી હંમેશાં હવામાન, પ્રકૃતિ, ઉંમર અને સ્થિતિ જોઇ આપવામાં આવે છે. જો આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે. જાણો આ ઉકાળાની અતિશયોક્તિથી થતા ગેરલાભ વિશે.
જો ઉકાળાનું નિયમિત સેવન કર્યા પછી તમારા શરીરમાં કેટલાંક ખાસ લક્ષણો દેખાય છે તો તરત જ તમારે આ ઉકાળાનું સેવન બંધ કરી દેવું જોઇએ, જેમ કે નાકમાંથી લોહી નીકળવું, મોંમાં ચાંદાં પડવાં, પેટમાં અને પેશાબમાં બળતરા થવી, અપચો કે પેચિસ જેવી સમસ્યા હોય તેવા લોકોએ આ ઉકાળાનું સેવન તરત જ બંધ કરી દેવું જોઇએ. ખાસ કરીને કાળઝાળ ગરમીમાં આવા ઉકાળાનો પ્રયોગ સાવ બંધ કરી દેવો જોઈએ તેવું નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે.
આયુર્વેદિક ઉકાળો ક્યારે નુકસાન પહોંચાડે?
હકીકતે ઇમ્યુનિટી બૂસ્ટર ઉકાળામાં સામાન્ય રીતે કાળાં મરી, સૂંઠ, લીંડી પીપર, તજ, હળદર, ગિલોય, અશ્વગંધા જેવી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓની તાસીર ખૂબ જ ગરમ હોય છે. જો કોઇ વ્યક્તિ આ વસ્તુઓનું સેવન બેહિસાબ રીતે કરે તો તેના શરીરમાં ગરમી વધી શકે છે
ઉકાળાના સેવનથી કફ બરાબર થઈ જાય છે એટલે કફ દોષથી પ્રભાવિત લોકો માટે આ ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે પણ વાત કે પિત્તથી પ્રભાવિત લોકોએ આયુર્વેદિક ઉકાળો પીતી વખતે વધારે સાવચેતી રાખવી પડશે. ધ્યાન રાખવું કે ગરમ તાસીરવાળી વસ્તુઓ ઉકાળામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખવી. આ સિવાય ઠંડી તાસીરની વસ્તુઓ નાખવી.