શહેરમાં ઢેબર રોડ પાસેના ગીતાનગરમાં રહેતી પરિણીતાને તેના પતિ સહિતના સાસરિયાંઓ વધુ દહેજની માંગ કરી ત્રાસ આપતા હોવાનું તેમજ પતિને આફ્રિકા રહેતી મામાજીની પુત્રી સાથે પ્રેમસંબંધ હોય મારકૂટ કરતો હોય અને તબીબ દિયર સહિતના છૂટાછેડા મામલે મારી નાખવાની ધમકીઓ આપતા હોવાની ફરિયાદ કરતાં મહિલા પોલીસે પતિ સહિત આઠ શખ્સ સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગીતાનગરમાં અને હાલ માવતરના ઘેર કાલાવડ રોડ પર નીજ રોયલ પાર્કમાં ત્રણેક માસથી રહેતી નિરાલીબેન હિમાંશુભાઇ વસંત નામની પરિણીતાએ પતિ હિમાંશુ, સસરા સુરેશ વસંતરાય વસંત, સાસુ સીમાબેન, દિયર કિશન, મામાજી જયેશ પ્રભુદાસ કાનાબાર, મામીજી નિરાલી, આફ્રિકા રહેતી મામાજીની પુત્રી જીલ આશિષભાઇ ચોટાઇ અને નાનીજી સાસુ પ્રવિણાબેન પ્રભુદાસ કાનાબાર સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન એક વર્ષ પહેલાં હિમાંશુ સાથે થયા હતા અને સંયુક્ત કુટુંબમાં રહેતા હોય.
લગ્નના આઠ દિવસ બાદ આફ્રિકા રહેતી તેના મામાજીની પુત્રી જીલ અમારા ઘેર આવી હતી. મારા પતિએ તેને કહ્યું કે, ‘અમારા લગ્નમાં કેમ ન આવી જેથી જીલ એ કહેલ કે તે નિરાલી સાથે લગ્ન કર્યા તે મને ગમ્યું નહીં અને આ સાંભળીને પરિવારના બધા સભ્યો હસવા લાગ્યા હતા. બાદમાં મારા પતિ અને જીલ અવારનવાર વીડિયો કોલમાં વાત કરતા હોય હું જોવા જાવ તો જીલ કહેતી કે, તારે હિમાંશુથી દૂર રહેવાનું, તું હિમાંશુને મૂકીને ચાલી જા, એ મારો પ્રેમ છે અને મને અપમાનિત કરતી હતી. અમારા દાંપત્યજીવનમાં દખલગીરી કરતી હોય બાદમાં મારા પતિ જીલ સાથે વીડિયો કોલમાં વાત કરતા હોય હું જોઇ જતા મારા પતિએ મારી સાથે ઝઘડો કરી મને કહ્યું કે, હું જીલને નહીં ભૂલી શકું.