શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પતિ સહિતના સાસરિયાં સામે પોલીસમાં ફરિયાદ કરી હતી, આફ્રિકા પતિ સાથે જેલમાં રહ્યા બાદ રાજકોટ આવી ત્યારે દિયર સાથે સૂવાનું કહેતો હતો તો સસરા પણ જાતીય સતામણી કરતા હતા. ભગવતીપરાની માધવ રેસિડેન્સીમાં માતા સાથે રહેતી બતુલ આફ્રિકાવાલા (ઉ.વ.29)એ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નજીકમાં જ રહેતા પતિ હુસેન આફ્રિકાવાલા, સસરા અલી અસગર આફ્રિકાવાલા, સાસુ રસીદા આફ્રિકાવાલા અને દિયર અલીઅકબરનું નામ આપ્યું હતું.
બતુલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2022માં હુસેન આફ્રિકાવાલા સાથે થયા હતા, પતિ આફ્રિકામાં કોંગો ખાતે નોકરી કરતા હોય બતુલ પણ પતિ સાથે આફ્રિકા ગઇ હતી, તા.1 મે 2023ના પતિ હુસેન સામે ફરિયાદ થતાં આફ્રિકા પોલીસે હુસેન અને બતુલની ધરપકડ કરી હતી અને બંનેને જેલમાં ધકેલ્યા હતા.
પોણા બે મહિના બાદ જેલમાંથી છૂટતા બતુલ રાજકોટ આવી ગઇ હતી, તેની તબિયત સારી રહેતી નહીં હોવાથી તેની માાતાના ઘરે રહેવા જતી રહી હતી અને સમાધાન થતાં સસરાના ઘરે ગઇ હતી, ઝઘડા થતાં પિયર અને સમાધાન થતાં સાસરે જતી હતી, સાસુ-સસરા અને દિયર કહેતા કે તારા કારણે જ અમારા દીકરાને જેલમાં જવું પડ્યું હતું, દિયર પોતાની સાથે સૂવાનું કહેતો અને જાતીય સતામણી કરતો હતો, જૂનું ઘર અમરેલી હોય ત્યાં જતા ત્યારે સસરાએ પણ જાતીય સતામણી કરી હતી, જેલમાંથી છૂટ્યા બાદ પતિ હુસેન રાજકોટ આવ્યો હતો ત્યારે તે પણ ત્રાસ આપતો હતો, પોલીસે બતુલની ફરિયાદ પરથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.