ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલા વોંકળામાંથી અંદાજે 10 થી 12 દિવસના માનવ ભ્રુણ મળી આવવાની ઘટનાની ગુત્થી ઉકેલાઇ ગઇ છે અને ધોરાજી પોલીસે તબીબ સહિત ચાર આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીના જ દંપતિને પ્રેગનેન્સી રાખવી ન હતી અને ગર્ભ રહી જતાં તબીબની મદદથી ભ્રુણની હત્યા કરી, તેને થેલીમાં પેક કરીને વોંકળામાં નિકાલ કરી દેવામાં આવ્યો હતો, જે ઘટનામાં પોલીસે બાતમી, ઘટનાને નજરે જોનારા સાક્ષી અને સીસીટીવીની મદદથી આખો કેસ ઉકેલી નાખ્યો છે.
આ અંગેની વિગતો આપતા પીઆઇ રવિ ગોધમે જણાવ્યું હતું કે આ બનાવનો ભેદ ઉકેલવા માટે અમે સ્થાનિક લોકોની પૂછપરછ કરતા સાક્ષીઓએ જીઆઇ 12 નંબરની સિલ્વર કલરની કાર અહીં આવી હોવાનું જણાવતાં સીસીટીવી કેમેરાની મદદથી કાર અને તેના માલિકની ઓળખ મળી હતી અને તેના પરથી આરોપી સુધી પહોંચવું આસાન બની ગયું હતું.
આ ગુના મામલે કચ્છના ગાંધીધામ ખાતે રહેતા ચંદ્રકાંતભાઈ ગોહેલ જ ફરિયાદી બન્યા છે અને તેમણે ધોરાજી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પુત્ર અમિતના ધર્મપત્ની પ્રેગનેન્ટ થઇ ગયા હતા અને તેમને પ્રેગનેન્સી રાખવાની ન હોય તે બાબતે તેઓએ ધોરાજીમાં રહેતા તેમના વેવાણ સ્મિતાબેન નગીનભાઈ ગોહેલનો સંપર્ક કર્યો હતો. જેમાં બંને વચ્ચે થયેલી વાતચીતમાં ધોરાજીના ડોક્ટરે એવી ખાતરી આપી હતી કે ગર્ભપાત થઈ જશે તે પ્રમાણે વાત કરતા અમિત ગાંધીધામથી ધોરાજી આવ્યો હતો અને ધોરાજી ખાતે ડોક્ટર સી.ટી. ફળદુને ત્યાં જઇ પોતાની પત્નીની પ્રેગનેન્સી રાખવાની ન હોય તે માટે રસ્તો કરી આપવાની વિનંતી કરી હતી.
હવે આ તબીબનો સંપર્ક કેવી રીતે થયો અને આ તબીબ આ રીતે ભ્રુણ પરિક્ષણ કે ભ્રુણ હત્યા કેટલા સમયથી કરે છે અને અત્યાર સુધીમાં આ રીતે કેટલી હત્યા કરી ચૂક્યા છે તે સહિતની વિગતો ઓકાવવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.