આદિપુરૂષ ફિલ્મના ઇન્ટરવલમાં રાજેશ્રી સિનેમામાં બઘડાટી

રાજેશ્રી સિનેમામાં ગુરૂવારે સાંજે આદિપુરૂષ ફિલ્મના ઇન્ટરવેલમાં યુવક સહિત 4 પર કેટલાક શખ્સોએ હુમલો કરતાં ઘવાયેલા ચારેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા. મનગર રોડ પર પરાપીપળિયાની એકતા સોસાયટીમાં રહેતો રાહુલ વનિભાઇ ભટ્ટી (ઉ.વ.25), સોનલ રાહુલ ભટ્ટી (ઉ.વ.21), કરણ વનિભાઇ ભટ્ટી (ઉ.વ.17) અને દિલીપ હસમુખભાઇ સોલંકી (ઉ.વ.30) ગુરૂવારે સાંજે સાડા છ વાગ્યાના શોમાં રાજેશ્રી સિનેમામાં આદિપુરૂષ ફિલ્મ જોવા ગયા હતા, ફિલ્મમાં ઇન્ટરવલ પડતાં રાહુલ સહિતના ચારેય કેન્ટિને નાસ્તો લેવા ગયા હતા, નાસ્તો લઇને સિનેમાગૃહમાં જઇ રહ્યા હતા ત્યારે રાહુલે બેલેન્સ ગુમાવ્યું હતું અને તે પડી ગયો હતો, રાહુલ પડતાં ત્યાં ઉભેલા કેટલાક શખ્સો હસવા લાગ્યા હતા.

જેથી રાહુલે કોઇ વ્યક્તિ પડે તો તેમાં હસવાનું ન હોય તેમ કહેતા હસી રહેલા શખ્સો ઉશ્કેરાયા હતા અને મામલો ઉગ્ર થતાં રાહુલ સહિત ચારેય વ્યક્તિ પર તૂટી પડ્યા હતા, સિનેમાગૃહમાં બઘડાટી થતાં અન્ય દર્શકોમાં પણ નાસભાગ મચી ગઇ હતી, સિનેમાગૃહના સિક્યુરિટી ગાર્ડે વચ્ચે પડી હુમલાખોરોને દૂર કર્યા હતા, હુમલામા ઘવાયેલા રાહુલ સહિત ચારેયને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *