ગત ગુરુવારની રાત્રે આણંદના નાવલી ગામ નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં દારૂ પીને પૂરપાટ ઝડપે કાર ચલાવનાર જેનિસ પટેલે માર્ગ પર આગળ જતાં બે બાઇક અને સામેથી આવતી બે બાઈકને અડફેટે લઈ આઠ વ્યક્તિને કચડી હતી, જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. એ અકસ્માતનો કાળજું કંપાવી દેતો વીડિયો હવે સામે આવ્યો છે.
અકસ્માતના સામે આવેલા વીડિયોમાં ચાર લોકો રોડ પર પડેલા દેખાય છે, જેમાં એકનું ઘટનાસ્થળે મોત અને અન્ય ત્રણ રોડ પર તડપી રહ્યા હોય એવાં દૃશ્યો દેખાય છે. વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતી લોહીલુહાણ હાલતમાં પોતાના મિત્રને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડીને જતીન..ઊઠ..જતીન..ઊઠ..એમ જોર-જોરથી બોલી રહી છે. બીજી તરફ, અકસ્માત બાદ મદદે આવેલા અન્ય વાહનચાલકો પણ ઘટનાસ્થળનાં દૃશ્યો જોઈ હચમચી ઊઠ્યા હતા અને તાત્કાલિકપણે યુવતી અને અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા પોલીસ અને એમ્બ્યુલન્સના કર્મચારીઓની મદદ કરી હતી.
આણંદ તાલુકાના વાંસખીલિયા ગામમાં રહેતા 36 વર્ષીય અરવિંદભાઈ મનુભાઈ પરમાર અને તેમનો સાળો અરવિંદ ઉર્ફે પિન્ટુ જીવાભાઈ જાદવ (રહે. જાદવપુરા, ચકલાસી, તા.ખેડા) ગત ગુરુવારના રોજ રાત્રિના સાડાદશ વાગ્યાના અરસામાં બાઈક નંબર (GJ-07-AF-9565) લઈને દાવોલ ગામે જવા નીકળ્યા હતા. આ દરમિયાન અંધારિયા ચકલા ખાતે પિન્ટુના મિત્રો નાયરની દુકાનવાળો અન્નો અને સાગર (રહે.કણજરી) મળ્યા હતા. આ બંને જણા પણ પોતાની બાઈક લઈ અરવિંદ ઉર્ફે પિન્ટુ સાથે દાવોલ જવા નીકળ્યા હતા.
નબીરાએ ચાર બાઇકને ટક્કર મારી
આ ચારેય જણાં બે બાઈક લઈને નાવલી ગામનું બસ સ્ટેન્ડ પસાર કરી આગળ દહેમી તરફ જતા હતા. એ વખતે માર્ગ પર પાછળથી પૂરપાટ ઝડપે આવતી અર્ટીગા ગાડી નં.( GJ-23-AF-9723)ના ચાલકે પિન્ટુ અને તેના મિત્ર અન્નાની બાઈક ઉપરાંત સામેથી આવતી અન્ય બે બાઈકને ટક્કર મારી હતી. જેથી ચારેય બાઈક પર સવાર આઠેય વ્યક્તિ ફંગોળાઈને રોડ પર પટકાઈ હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા પિન્ટુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પિન્ટુના બનેવી અને બે મિત્રો ઉપરાંત અન્ય બે બાઈક પર સવાર જતીનભાઈ, અંકિતાબેન, આયુષીબેન તેમજ એક અજાણ્યા યુવકને ઈજાઓ પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન જતીનભાઈ, અંકિતાબેન અને અજાણ્યાં યુવકનું પણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.