આણંદપર (બાઘી)ની સીમમાંથી 21.60 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ નજીક આવેલા આણંદપર (બાઘી) ગામની સીમમાં ખેતરમાં ખાડો કરી છુપાવેલ 21.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે ઝડપી પાડ્યો છે.

પોલીસે કુલ 4320 બોટલ દારૂ કબજે કરી ફરાર આરોપી મોન્ટુ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.કે. સામુદ્રે તથા તેમનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

તે દરમિયાન પો.કોન્સ. ભાવેશ મકવાણા અને કુશલ જોશીને બાતમી મળી હતી કે, આણંદપર (બાઘી) ગામના તળાવ પાસે આવેલી બિપીનચંદ્ર મેઘજીભાઈ રાઠોડની વાડીમાં જે મોન્ટુ નામના શખ્સે વાવવા રાખેલી છે, ત્યાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.

પોલીસે તુરંત સ્થળ પર પહોંચી તપાસ કરતા વાડીના ખૂણામાં જમીનમાં એક મોટો ખાડો કરેલો જોવા મળ્યો હતો. આ ખાડા પર કાળા રંગની પ્લાસ્ટિકની તાડપત્રી ઢાંકીને દારૂ છુપાવવામાં આવ્યો હતો.

પોલીસે ખાડામાં તપાસ કરતા કુલ 360 પેટીઓ અને બોટલ નંગ 4320નો રૂ.21.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન વાડીમાં કોઈ હાજર મળી આવ્યું ન હતું. પોલીસે વાડી વાવવા રાખનાર આરોપી મોન્ટુ વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *