રાજકોટમાં વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી રાજકોટ ગ્રામ્ય પોલીસને ઊંઘતી ઝડપી પાડી છે. રાજકોટ જિલ્લાના આટકોટ વિસ્તારમાં આવી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રૂપિયા 61.46 લાખના 782 પેટી દારૂ ભરેલા ટેન્કર સાથે 81.46 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે ટેન્કર ચાલક અને કલીનર નાસી છૂટતા ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરો પોલીસ પકડથી દૂર રહેવા માટે દારૂ ઘૂસાડવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે. એ જ રીતે આ કેસમાં પણ ઇન્ડિયન ઓઇલ લખેલા ટેન્કરની અંદર દારૂનો જંગી જથ્થો ભરી સૌરાષ્ટ્રમાં ઘુસાડી દેવાના નુસખાને SMCની ટીમે નાકામ બનાવી દીધો છે.
SMCએ સ્થાનિક પોલીસની ઊંઘતી રાખી કાર્યવાહી કરી સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, દીવથી દારૂ ભરેલ ટેન્કર સૌરાષ્ટ્રમાં આટકોટ નજીક આવી રહ્યું છે. ત્યારે ગત મોડી રાત્રિના SMCની ટીમે આટકોટ નજીકથી રાજકોટ ગ્રામ્ય પોલીસને ઊંઘતી ઝડપી પાડી 61.46 લાખની કિંમતના 782 પેટી વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું છે. SMCની ટીમે બાતમીના આધારે આટકોટ પાસે પાંચવડા રોડ પર વોચ ગોઠવી હતી, દરમ્યાન ત્યાથી પસાર થઇ રહેલા બાતમી વાળા શંકાસ્પદ ટેન્કરને રોકતા ટેન્કર ચાલક અને કલીનર ટેન્કર મુકી નાસી છુટયા હતા. ટેન્કરની તલાસી લેતા ટેન્કરના ખાનામા છુપાવી રાખેલી રૂ.61.46 લાખની કિંમતનો 782 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ.61.46 લાખની કિંમતનો દારૂ અને ટેન્કર મળી રૂ.81.46 લાખનો મુદામાલ કબજે કરી આટકોટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.